છ મહિના પછી ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં લેવાલીવિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 93નો ધીમો સુધારો, ચાંદી રૂ. 420 ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની કેન્દ્રવર્તી બૅન્કની છ મહિનાના લાંબા સમયગાળા બાદ લેવાલી નીકળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્વિક બજારનાં મક્કમ અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 93નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીના અભાવ વચ્ચે ભાવમાં કિલોદીઠ રૂ. 420નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 420ના ઘટાડા સાથે રૂ. 90,400ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત પ્રવર્તમાન લગ્નસરાની રિટેલ સ્તરની માગ અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 93ના સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 75,975 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 76,280ના મથાળે રહ્યા હતા.
Also read: સોનામાં રૂ. 96નો અને ચાંદીમાં રૂ. 370નો સાધારણ સુધારો
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે મુખ્યત્વે ચીનની કેન્દ્રવર્તી બૅન્કની લેવાલીને ટેકે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 2646.69 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને 2668.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 31.22 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત નવેમ્બર મહિનાના આખરથી ચીનની પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની સોનામાં ખરીદી નીકળી હોવાના નિર્દેશો સોનાની તેજીના ખેલાડીઓ માટે સારા સમાચાર રહેતાં આજે સોનાને મજબૂત ટેકો મળ્યો હોવાનું આઈજી માર્કેટનાં સ્ટ્રેટેજિસ્ટ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે અંદાજે છ મહિનાના લાંબા સમયગાળા બાદ ચીનની કેન્દ્રવર્તી બૅન્કની લેવાલી છે.
વધુમાં ઓસીબીસીનાં વિશ્લેષકે જણાવ્યું હતું કે તાજેતરમાં અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પના વિજય સાથે ટ્રેડ વૉરની ભીતિ, આર્થિક સ્થિરતા અને વર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેતાં ચીને સલામતી માટે સોનામાં ખરીદી શરૂ કરી હોય તેમ જણાય છે. અત્રે નોંધનીય બાબત એ છે કે વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2024માં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી અને વૈશ્વિક સ્તરે રાજકીય-ભૌગોલિક તણાવમાં વધારો થવાને કારણે સોનામાં સલામતી માટેની માગ પ્રબળ રહેતાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં વર્ષ 2010 પછીનો સૌથી મોટો 28 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.
Aslo read: Gold Price Today: લગ્નગાળાની મોસમમાં સોનાની માંગ વધી, જાણો સોનાના લેટેસ્ટ ભાવ
અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી નીતિવિયક બેઠક 17-18 ડિસેમ્બર દરમિયાન યોજાનારી છે અને તે પૂર્વે 11મી ડિસેમ્બરના રોજ અમેરિકાના ફુગાવાના ડેટા જાહેર થનારા છે. આમ ફુગાવાના ડેટાની અસર ફેડરલ રિઝર્વનાં વ્યાજદરની કપાત અંગેના નિર્ણય પર પડે તેમ હોવાથી રોકાણકારોની નજર હવે ફુગાવાના ડેટા પર તેમ જ બેઠકના અંતે વર્ષ 2025માં વ્યાજદરમાં કપાત અંગે ફેડરલ રિઝર્વ કેવો અભિગમ અપનાવશે તે અંગેના અધ્યક્ષના સંકેતો પર પણ સ્થિર થઈ છે.