ચીન અને હૉંગકૉંગના બજારમૂલ્યમાં ૨૦૨૧ની ટોચેથી ૬.૩ લાખ કરોડ ડૉલરનું જંગી ધોવાણ
મુંબઇ: ચીન, એટલે કે વિશ્વની બીજી આર્થિક મહાસત્તા પરંતુ આ મહાશક્તિના છેલ્લા અડધા-પોણા દાયકાથી વળતા પાણી જોવા મળી રહ્યાં છે. અમેરિકા સાથે દુશ્મની અને ભારતની હરણફાળ ગતિ તો હતી જ પરંતુ તેમાં કોરોના મહામારીએ ચીનની ઈકોનોમીને મોટો ઝટકો આપ્યો હતો.
કોરોના મહામારીના ઉદ્દભવ સ્થાન ગણાતા ચીનને કોરોનાએ જ એવો આર્થિક ઝટકો આપ્યો છે કે હજી સુધી દેશ તેમાંથી ઉબરી નથી શક્યો. ઈતિહાસમાં પ્રથમ વખત વિદેશી રોકાણમાં આઉટફ્લો, આર્થિક વૃદ્ધિ ત્રણ દાયકાના તળિયે, મોટી કંપનીઓ દ્વારા ઉત્પાદન એકમ અન્યત્ર ખસેડવાના નિર્ણયની અસર આર્થિક આંકડા અને આર્થિક સ્થિતિમાં વર્તાઈ રહી છે. સામે પક્ષે ચીન પરથી ઈક્વિટી અને કેપિટલ રોકાણકારોનો વિશ્વાસ પણ સતત ઘટી રહ્યો છે.
ચાઈનના સ્ટોક માર્કેટમાં ફરી પાછલાા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. ચીનના ઓનશોર માર્કેટમાં વિદેશી રોકાણકારો દ્વારા છેલ્લા ૧૨ સપ્તાહમાં મોટાપાયે ફંડ પરત ખેંચવામાં આવ્યું છે. આ ફોરેન ફંડ આઉટફ્લોએ ૨૦૧૬નો રેકોર્ડ તોડયો છે. આ સપ્તાહે હોંગકોંગમાં લિસ્ટેડ મેઇનલેન્ડ કંપનીઓનો ઈન્ડેકસ વૈશ્વિક ઇક્વિટી ઇન્ડેક્સ રેન્કિંગમાં વર્ષના તળિયે
પહોંચ્યો છે.
આ સાથે ટોક્યો એટલે કે જાપાને એશિયાના સૌથી મોટા ઇક્વિટી માર્કેટ તરીકે શાંઘાઈને પછાડી દીધું છે અને ચીન સામે ભારતના વેલ્યુએશન પ્રીમિયમે પણ રેકોર્ડ બનાવ્યો છે. સ્થાનિક રીતે ચાઇનીઝ શેરબજારમાં મંદી દેશના એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગને પણ ધમરોળી રહી છે અને મ્યુચ્યુઅલ ફંડ બંધ થવાની ગતિ પાંચ વર્ષની ટોચે પહોંચી છે.
હેંગસેંગ ચાઇના એન્ટરપ્રાઇઝ ઇન્ડેક્સ આ અઠવાડિયાના ૬ ટકાના કડાકા સાથે ૨૦૨૪માં જ અત્યાર સુધી ૧૧ ટકા ઘટયો છે. સતત ચાર વર્ષની મંદી બાદ પણ તેમાં ઘટાડાનો દોર યથાવત છે અને છેલ્લા આઠ વર્ષમાં સૌથી ખરાબ જાન્યુઆરી તરફ આગળ વધી રહ્યો છે. નાસ્ડેક ગોલ્ડન ડ્રેગન ચાઇના ઇન્ડેક્સ શુક્રવારે યુએસ ટ્રેડિંગની શરૂઆતમાં ૨.૨ ટકા જેટલો લપસ્યો અને સતત પાંચમા દિવસે ઘટયો હતો.
૨૦૨૧માં ટોચથી ચાઇનીઝ અને હોંગકોંગના શેરબજારના કુલ વેલ્યુએશનમાંથી લગભગ ૬.૩ લાખ કરોડ ડોલરનો સફાયો થયો છે એટલે કે રોકાણકારોના વિશ્વાસ ઘટતા શેરબજારમાં મંદીના પરિણામે રોકાણકારોની સંપત્તિમાં ૬.૩ લાખ કરોડનું ધોવાણ થયું છે.
૨૦૨૧ના ત્રીજા કવાર્ટરમાં માર્કેટ કેપિટલ ૧૯.૮ લાખ કરોડ ડોલર આસપાસ પહોંચી હતી,જે હાલ જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં ઓક્ટોબર, ૨૦૨૨ના તળિયા ૧૩ લાખ કરોડ ડોલર કરતા પણ ઘટી છે. એશિયન ફંડ મેનેજર્સ ચીન માટે તેમના અલોકેશન એટલેકે ફાળવણીમાં ૧૨ ટકાનો ઘટાડો કરીને વેઈટેજમાં એક વર્ષમાં સૌથી ઓછો નેટ ૨૦ ટકા અલોકેશન સાથે અન્ડરવેઈટેજ રહ્યાં છે.