સ્પર્ધાત્મકતા વધારવા કેમેક્સિલ દ્વારા કાર્યશાળાનું આયોજન

નવી દિલ્હીઃ કેમિકલ નિકાસકારોના સંગઠન કેમેક્સિલે તાજેતરમાં સ્પર્ધાત્મકતા વધારવા અને નિયમનકારી પાલનોની સુનિશ્ચિતતા માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કર્યું હતું.
બેઝિક કેમિકલ્સ, કોસ્મેટિક્સ ઍન્ડ ડાઈઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (કેમેક્સિલ)ના ચેરમેન સતીષ વાઘે જણાવ્યું હતું કે આ કાર્યશાળાનો હેતુ કેમિકલની નિકાસયંત્રણા સ્પષ્ટ, પારદર્શક અને વૈશ્વિક સ્પર્ધાત્મક બનાવવાની સાથે ક્ષમતા સઘન કરવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં એક્સપોર્ટ પ્રમોશન મિશન હેઠળ જાહેર કરવામાં આવેલા પગલાંમાં ખાસ કરીને એમએસએમઈ નિકાસકારોને પોસાણક્ષમ દરથી ધિરાણ મળતાં તેઓના એક્સેસમાં સુધારો થશે.
આપણ વાચો: જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બર મહિનામાં દેશની કેમિકલની નિકાસમાં વર્ષાનુવર્ષ ધોરણે 18.49 ટકાનો વધારો થયો હતો જે વૈશ્વિક પડકારો સામે પણ ક્ષેત્ર મક્કમ કામગીરી દર્શાવી રહ્યો હોવાનો નિર્દેશ આપે છે, એમ વાઘે ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે કે આ કાર્યશાળાનું આયોજન ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સ, ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ અને નાર્કોટિક્સ ક્નટ્રોલ બ્યુરોના ટેકા સાથે થયું હતું. તેમ જ તેમાં નિકાસકારો, ઉદ્યોગના હિસ્સેધારકો અને સરકારી વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા હતા.
વાણિજ્ય મંત્રાલયના સચિવ બ્રિજમોહન મિશ્રાએ જણાવ્યું હતું કે હવે સ્પર્ધાત્મકતા માત્ર ભાવના મુદ્દે જ નથી હોતી, પરંતુ વિશ્વસનીયતા, પારદર્શકતા, પુરવઠાની સાતત્યતા વગેરેની પણ હોય છે.
પ્રક્રિયાઓનું અનુપાલન, કનેક્ટિવિટી અને સ્પર્ધાત્મકતા એ નિકાસ વૃદ્ધિના મુખ્ય પાયા છે, જે વર્ષ 2030 સુધીમાં નિકાસ બમણી કરવાના રાષ્ટ્રીય લક્ષ્યાંકને હાંસલ કરવા અંગે પણ ટેકો આપે છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે પ્રેફરન્શિયલ બજારો સાથે થયેલા મુક્ત વેપાર કરારના અસરકારક ઉપયોગ અને લાભ મેળવવા માટે નિકાસકારોએ જે તે દેશનાં નિયમોને સ્પષ્ટપણે સમજવા પણ જરૂરી છે.



