વર્તમાન નાણાકીય વર્ષમાં ૩૧ અબજ ડૉલરના રસાયણની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવા કેમેક્સિલનો વિશ્ર્વાસ
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ખાસ કરીને મેડ ઈન ઈન્ડિયા કેમિકલ્સની ખાસ કરીને બ્રાઝીલ, અમેરિકા, જાપાન, અને સાઉદી અરેબિયા જેવાં દેશોમાં માગ પ્રબળ રહેતાં ૩૧ અબજ ડૉલરના મૂલ્યના રસાયણની નિકાસનો લક્ષ્યાંક હાંસલ થઈ જવાનો વિશ્ર્વાસ કેમેક્સિલના ડિરેકટર જનરલ રઘુવીર કીણીએ વ્યક્ત કર્યો છે. નોંઘનીય બાબત એ છે કે વાણિજ્ય મંત્રાલયે નિકાસ પ્રોત્સાહિત કરવા માટે બેઝિક કેમિકલ્સ, કોસ્મેટિક્સ ઍન્ડ ડાઈઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (કેમક્સિલ)ની સ્થાપના કરી છે. કીણીએ જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન રસાયણોની કુલ નિકાસ ૪.૫૭ ટકા વધીને ૧૪.૧ અબજ ડૉલરની થઈ છે. આમ અત્યાર સુધીમાં નિકાસમાં સારી વૃદ્ધિ જોવા મળી છે અને અમને વિશ્ર્વાસ છે કે અમે ૩૧ અબજ ડૉલરની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરીશું. ગત સાલ નિકાસ ૩૦ અબજ ડૉલરના સ્તરે રહી હતી.
એકંદરે ગત સાલ ભારતીય રસાયણની મુખ્ય બજાર ગણાતા દેશ બ્રાઝીલમાં દુકાળની સ્થિતિ હોવાથી નિકાસમાં ઘટાડો થયો હતો, પરંતુ આ વર્ષે સ્થિતિ સારી હોવાથી આ વર્ષનાં પહેલા છ મહિનામાં નિકાસમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે અને શેષ વર્ષમાં પણ સારી વૃદ્ધિ જળવાઈ રહેવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
ભારત દક્ષિણ અમેરિકન દેશોમાં વર્ષે અંદાજે એક અબજ ડૉલરના મૂલ્યના આ ગૂડ્સની નિકાસ કરે છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે યુરોપિયન યુનિયનના કાર્બન ટેક્સ અને ક્વૉલિટી ક્ધટ્રોલ ઓર્ડરને ધ્યાનમાં લેતા કાઉન્સિલ નિકાસકારોની જાગરૂકતા અને સજ્જતા માટે કાર્યક્રમો યોજે છે. યુરોપિયન યુનિયનમાં કાર્બન ટેક્સ એ એક વાસ્તવિકતા છે તેને માટે આપણે સજ્જ રહેવું જોઈએ, નિકાસકારો કોઈ ગફલતમાં ન રહેવા જોઈએ. આ વેરા સામે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી અંગે અમે સમજાવી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે યુરોપિયન યુનિયનનું કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ અથવા તો સીબીએએમ એ તેનું એકપક્ષીય પગલું છે જેનો ભારત વિરોધ કરી રહ્યું છે. સીબીએએમ એ એક પ્રકારની આયાત જકાત છે જે યુરોપમાં ઊર્જા સઘન ચીજોની આયાત સામે લાગુ થશે. તેમ જ આગામી પહેલી જાન્યુઆરી, ૨૦૨૬થી સ્ટીલ, સિમેન્ટ, રસાયણ અને ફર્ટિલાઈઝર જેવાં સાત કાર્બન સઘન ક્ષેત્રમાં કાર્બન ટેક્સ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વૈશ્ર્વિક સ્તરે ફાર્માસ્યુટિકલ, કૃષિ અને મેન્યુફેક્ચરિંગ જેવાં અંતિમ વપરાશકાર ઉદ્યોગની રસાયણની માગમાં વધારો થઈ રહ્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ભારતીય રસાયણોની ગુણવત્તામાં સુધારો અને રીચ (આરઈએસીએચ- રજિસ્ટ્રેશન, ઈવેલ્યુએશન, ઑથૉરાઈઝેશન ઍન્ડ રિસ્ટ્રીક્શન ઑફ કેમિકલ) તથા અન્ય ધારાધોરણોનો અમલ થઈ રહ્યો હોવાથી દરિયાપારના દેશોમાં ભારતીય રસાયણોની માગમાં વધારો થયો છે. જોકે, નહાવાશેવા અને મુદ્રા જેવાં મુખ્ય બંદર વિસ્તારોની આસપાસના નબળા માળખાકીય ક્ષેત્રને કારણે શિપમેન્ટ વિલંબિત થઈ રહ્યા હોવાથી રોડ નેટવર્ક વધારવા, છે તેની જાળવણી અને પરિવહન માટે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂરત હોવાનું તેમણે ઉમેર્યું હતું.