નિકાસ પ્રોત્સાહક સ્કીમો 15મી જાન્યુઆરીથી પોસ્ટલ શીપમેન્ટને પણ લાગુઃ સીબીઆઈસી…

નવી દિલ્હીઃ ડ્યૂટી ડ્રોબૅક, આરઓડીટીઈપી (રેમીસન ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સીસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ અને આરઓસીટીએલ (રિબેટ ઑફ સ્ટેટ ઍન્ડ સેન્ટ્રલ ટેક્સીસ ઍન્ડ લેવીઝ) જેવી નિકાસ પ્રોત્સાહક સ્કીમો પોસ્ટલ શીપમેન્ટ્સ માટે પણ ગત 15મી જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઑફ ઈનડાયરેક્ટ ટેક્સિસ ઍન્ડ કસ્ટમ્સે આજે જણાવ્યું છે.
આ પ્રોત્સાહન થકી ખાસ કરીને નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા એમએસએમઈ નિકાસકારોની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને પોસ્ટલ નિકાસને પણ પ્રોત્સાહિત કરશે, એમ નાણાં મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું.
સીબીઆઈસીએ ડ્યૂટી ડ્રોબૅક, આરઓડીટીઈપી અને આરઓસીટીએલ જેવા નિકાસલક્ષી લાભોનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપે પોસ્ટલ દ્વારા થતી નિકાસ સુધી વિસ્તરણ કર્યું છે અને તેનો અમલ 15મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
અર્નેસ્ટ ઍન્ડ યંગ ઈન્ડિયા ટેક્સ પાર્ટનર સૌરભ અગરવાલે જણાવ્યું હતું કે સરકારે આરઓડીટીઈપી અને આરઓસીટીએલના લાભો પોસ્ટલ મારફતે થતી નિકાસ સુધી લંબાવતા હવે અંતરિયાળ વિસ્તારોના એમએસએમઈ માટે ચાલતા લાંબા સમયથી અનુપાલનના અવરોધને દૂર કર્યો છે. કેન્દ્રીય અંદાજપત્ર 2026ની રજૂઆતના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આ સુધારો પોસ્ટ ઑફિસો માટે વૈશ્વિક વાણિજ્ય માટેનાં સંભવિત પ્રવેશદ્વારમાં પરાવર્તિત કરીને ઈઝ ઑફ ડુઈંગ બિઝનૅસની પ્રતિબદ્ધતાનો સંકેત આપવાની સાથે એ સુનિશ્ચિત કરે છે કે ભારતની વિકસિત ભારત યાત્રા સમાવિષ્ટ અને ડિજિટલી સંચાલિત છે, એમ અગરવાલે ઉમેર્યું હતું.
વધુમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંનો ઉદ્દેશ પોસ્ટલ ચેનલ મારફતે નિકાસ કરતાં નિકાસકારોને લેવલ પ્લેઈંગ ફિલ્ડ આપવાનો અને આંતર સરહદીય ઈ-કોમર્સનાં વિકાસ માટે અનુકૂળ અને સમાવિષ્ટ ઈકોસિસ્ટમ બનાવવાનો છે. આ લાભોનો કાર્યાન્વિત કરવા માટે સીબીઆઈસીએ પોસ્ટલ એક્સ્પોર્ટ (ઈલેક્ટ્રોનિક્સ ડિક્લેરેશન ઍન્ડ પ્રોસેસિંગ) રેગ્યુલેશન્સ, 2022માં સુધારા કરીને ડ્યૂટી ડ્રોબૅક, આરઓડીટીઈપી અને આરઓસીટીએલના લાભો પોસ્ટલ રૂટ મારફતે થયેલી નિકાસ સુધી વિસ્તરિત કર્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ભારતમાં કસ્ટમ્સ ધારા હેઠળની કલમ સાત અંતર્ગત નોટિફાઈ થયેલ 28 ફોરેન પોસ્ટ ઑફિસ છે. સીબીઆઈસીએ પોસ્ટલ એક્સ્પોર્ટ (ઈલેક્ટ્રોનિક્સ ડિક્લેરેશન ઍન્ડ પ્રોસેસિંગ) રેગ્યુલેશન્સ, 2022માં સુધારા કરીને દરિયાપારના વેપારને મજબૂત બનાવવા માટે ઘણાં પગલાંઓ લીધા છે.



