દેશભરમાં 350 કરોડ રૂપિયાના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડનો ખુલાસોઃ અનેક સ્થળોએ CBIના દરોડા

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) એ 350 કરોડ રૂપિયાના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડ મામલે કેસ દાખલ કર્યા બાદ અલગ અલગ સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇએ આ મામલે સાત લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓ કથિત રીતે દિલ્હી, હજારીબાગ, ભટિંડા, રતલામ, વલસાડ, પુડુક્કોટાઈ અને ચિત્તોડગઢ શહેરોમાં સ્થિત સાત અલગ અલગ મોડ્યુલ ચલાવી રહ્યા હતા, જે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું વચન આપીને રોકાણકારો પાસેથી પૈસા પડાવતા હતા.
સીબીઆઈના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ પોન્ઝી યોજનાઓનો પ્રચાર વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપ્સના માધ્યમથી કરવામાં આવી રહ્યો હતો. બેન્ક એકાઉન્ટના લેવડદેવડ અને ક્રિપ્ટોકરન્સી વોલેટ્સના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આ યોજનાઓમાંથી મળેલી ગેરકાયદેસર રકમને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવવામાં આવી રહી હતી જેથી તેને લઇને કોઇ જાણકારી મળી શકે નહીં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજનાઓમાં 350 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ ગુરુવારે દિલ્હી, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, તમિલનાડુ અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન સીબીઆઈએ આરોપીઓના ક્રિપ્ટોકરન્સી વોલેટમાં કુલ 38,414 અમેરિકન ડોલરની ડિજિટલ વર્ચ્યુઅલ સંપત્તિ જપ્ત કરી હતી જેને તપાસ માટે ડિજીટલી સુરક્ષિત કરવામાં આવી હતી. સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “તપાસ દરમિયાન આશરે 34.20 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. ઉપરાંત સાત મોબાઇલ ફોન, એક લેપટોપ, એક ટેબલેટ, ત્રણ હાર્ડ ડિસ્ક, 10 પેઇન ડ્રાઇવ, મેમરી કાર્ડ, સિમ કાર્ડ, એટીએમ/ડેબિટ કાર્ડ, ઇમેઇલ એકાઉન્ટ અને અનેક ગુનાહિત દસ્તાવેજો સહિત મહત્વપૂર્ણ ડિજીટલ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Also read: એક કિનખાબી ક્રાઈમ વાયા ક્રિપ્ટો કરન્સી !
એજન્સીએ ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને કલમ 420 (છેતરપિંડી) અને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 66ડી હેઠળ કેસ નોંધ્યો છે. સીબીઆઈના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે આરોપીઓ, ગુનાહિત ષડયંત્રના ભાગ રૂપે વિવિધ પોન્ઝી અને છેતરપિંડી યોજનાઓ ચલાવી રહ્યા હતા.