વેપાર

તેજીનું તોફાન: નિફ્ટીએ ૨૦,૫૦૦ની સપાટી વટાવી, સેન્સેકસ ૬૯,૦૦૦ની નિકટ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: યુએસ બોન્ડની યિલ્ડ અને ડોલર ઇન્ડેક્સના ઘટાડા સાથે સ્થાનિક સ્તરે વિધાનસભાની ચૂંટણીઓમાં શાસક પક્ષની વિજય સાથે રોકાણકારોને રાજકીય સ્થિરતાના સંકેત મળવાથી જોરદાર લેવાલીનો રેલો આવતાં સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં તેજીનું જોરદાર તોફાન જોવા મળ્યું અને બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા.
ચોથી ડિસેમ્બરે, સેન્સેક્સ ૨.૦૫ ટકા અથવા ૧,૩૮૩.૯૩ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૬૮,૮૬૫.૧૨ પોઇન્ટના સ્તરે બંધ રહ્યો હતો, સત્ર દરમિયાન સેન્સેક્સ ૬૮,૯૧૮.૨૨ પોઇન્ટની ઊંચી સપાટીએ અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૪૧૮.૯૦ પોઇન્ટ અથવા ૨.૦૭ ટકાના તોતિંગ ઉછાળા સાથે ૨૦,૬૮૬.૮૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. સત્ર દરમિયાન નિફ્ટીએ ઇન્ટ્રા-ડે સોદા દરમિયાન ૨૦,૭૦૨.૬૫ પોઇન્ટની નવી સર્વકાલીન ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. બજારનું સેન્ટિમેન્ટ અત્યંત મક્કમ રહ્યું હતું, નિફ્ટીના પચાસમાંથી ૪૪ શેરમાં સુધારો જોવા મળ્યો હતો.
બંને બેન્ચમાર્ક્સે એક વર્ષમાં સૌથી મોટો એકદિવસીય ઉછાળો નોંધાવ્યો છે. ક્ષેત્રીય રીતે, બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ પણ ૪૬,૪૮૪ સ્તરની નવી જીવનકાળની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ત્રણ ટકાથી વધુ વધીને બંધ થયો હતો. આ સિવાય, નિફ્ટી મીડિયા અને ફાર્મા શેરઆંકોને બાદ કરતાં બાકીના તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ હકારાત્મક ક્ષેત્રે બંધ થયા હતા. સેન્સેક્સના શેરમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, સ્ટેટ બેન્કમાં અનુક્રમે ૪.૬૮ ટકા અને ૩.૯૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટોપ ગેઇનર્સની યાદીમાં આ ઉપરાંત લાર્સન એન્ડ ટૂબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક અને એચડીએફસી બેન્કનો સમાવેશ હતો. જ્યારે વિપ્રો અને ટાટા મોટર્સના શેરમાં ટ્રેન્ડથી વિરૂદ્ધ ઘટાડો જોવા મળ્યો હતો.
સત્ર દરમિયાન અદાણી જૂથના શેરોમાં કરંટ જોવા મળ્યો હતો. અદાણી ગ્રઈન એનર્જીમાં આઠ ટકા સુધીનો ઉછાળો હતો. બપોરના સત્ર દરમિયાન આ ઝૂતન દસે દસ શેરમાં સુધારો જોવા મળ્યો હતો અને ગ્રુપની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝશેન વધીને રૂ. ૧૨ લાથ કરોડની સપાટીએ પહોંચ્યું હતું.
શેરબજારમાં અપેક્ષા અનુસાર જ તોફાની તેજીનો માહોલ જામ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં શાસક પક્ષના સ્પષ્ટ વિજયને કારણે આખલો ગેલમાં આવી ગયો છે અને મુંબઇ સમાચારે ફોરકાસ્ટ કોલમમાં કરેલી આગાહી અનુસાર જ નિફ્ટીએ ખૂલતા સત્રમાં જ ૨૦,૫૦૦ની સપાટીને કૂદાવી નાંખી હતી અને સીધો ૨૦,૬૦૦ની ઉપર ખૂલ્યો હતો. એ જ રીતે, સેન્સેકસ પણ લગભગ ૧૦૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૮,૪૩૫ની સપાટીએ ખૂલ્યો હતો.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button