બુલિયન માર્કેટમાં ઊંચા મથાળે નરમાઇ, સોનાએ 73,000ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : બુલિયન બજારની શરૂઆત નરમ ટોન સાથે થઇ હતી. બંને કિંમતી ધાતુના ભાવમાં ઊંચા મથાળે પર્યાપ્ત લેવાલીનો ટેકો ના મળવાને કારણે સોમવારના સત્રમાં પીછેહઠ જોવા મળી હતી. આઇબીજેએના ડેટા અનુસાર પાછલા શુક્રવારે 10 ગ્રામદીઠ રૂ. 73,174ની સપાટીએ બંધ રહેલું 999 ટચનું શુદધ સોનું સોમવારે રૂ. 442ના ઘટાડા સાથે રૂ. 72,750ની સપાટી તોડતું સીધું રૂ. 72,732ની સપાટીએ ખૂલ્યું હતું. જોકે, સત્રને અંતે તે રૂ. 361ના ઘટાડા સાથે રૂ. 72,813ની સપાટીએ સ્થિર થયું હતું. એ જ રીતે, પાછલા શુક્રવારે 10 ગ્રામદીઠ રૂ. 72,881ની સપાટીએ બંધ રહેલું 995 ટચનું સ્ટાન્ડર્ડ સોનું સોમવારે રૂ. 440ના ઘટાડા સાથે રૂ. 72,500ની સપાટી તોડતું સીધું રૂ. 72,441ની સપાટીએ ખૂલ્યું હતું. સત્રના પાછલા ભાગમાં નીચા મથાળે સહેજ લેવાલીનો ટેકો મળતા અંતે તે રૂ. 360ના ઘટાડા સાથે રૂ. 72,521ની સપાટીએ સ્થિર થયું હતું.
જ્યારે .999 ટચની હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. 83,819ના પાછલા શુક્રવારના ભાવ સામે રૂ.313ના ઘટાડા સાથે 83,506ની સપાટીએ ખૂલી હતી. વેચવાલી આગળ વધતા સત્રને અંતે હાજર ચાંદી કિલોગ્રામ દીઠ રૂ.367ના ઘટાડા સાથે રૂ. 83,452ની સપાટીએ સ્થિર થઇ હતી.
વાસ્તવમાં વૈશ્વિક સ્તરે લશ્કરી કવાયત બાદ એસેટ કલાસીસમાં સેફ હેવન તરીકે ગણાતા ગોલ્ડમાં ભૂરાજકીય તાણને કારણે વૈશ્વિક સ્તરે નવી ઊંચી સપાટી જોવા મળી છે, જેને પરિણામે ઘરઆંગણે પણ નવા ઊંચા ભાવ જોવા મળ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાન-ઈઝરાયલ વચ્ચે તાજી જ ઉદ્ભવેલી તંગદીલી તથા ઈઝરાયલ-પેલેસ્ટાઈન કટોકટીને કારણે સોનામાં સેફ હેવન ખરીદીથી ભાવ ઊંચકાયા છે. નાણાં વર્ષ 2025માં ઈક્વિટીઝ કરતા ગોલ્ડ પરના રોકાણ પર સારૂ વળતર મળી રહેશે , એવું વિશ્લેષકો માને છે.
શેરબજારમાં પાછલા નાણાકીય વર્ષમાં મળેલા 25થી 30 ટકાના વળતર સામે સોનાએ માંડ 14 ટકા અને ચાંદીએ તો ચારેક ટકાનું વળતર આપ્યું છે. જોકે કેલેન્ડર વર્ષના પ્રથમ 100 દિવસમાં રોકાણકારોને ઈક્વિટી કરતા સોનામાં વધુ વળતર આપ્યું છે અને ઇઝરાયલ-ઇરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ તથા ફેડરલ દ્વારા વ્યાજ દરમાં સૂચિત ઘટાડાથી સોનાના ભાવને ટેકો મળી રહ્યો છે. વર્તમાન વર્ષના પ્રથમ 100 દિવસમાં સેન્સેકસ પર ચાર ટકા જેટલું વળતર છૂટયું છે જ્યારે સોનામાં રોકાણકારોને 14 ટકા જેટલું વળતર મળ્યું હતું.
વિશ્વમાં હાલમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે, એમ બે જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું હતુ અને તેમાં ઇરાને ઇઝરાયેલ સામે યુદ્ધ છેડીને વાતાવરણ વધુ બગાડ્યું છે. આ યુદ્ધો દ્વારા સર્જાયેલી ભૂરાજકીય તંગદીલીને કારણે, સોના અને ચાંદીના ભાવ આગઝરતી તેજી જોવા મળી છે. ઈરાન દ્વારા ઈઝરાયલ પર મિસાઈલ હુમલાના કારણે તંગદીલી ઓર વધી ગઇ છે.
આવી સ્થિતિમાં સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવમાં સતત આગેકૂચ રહી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ મુજબ શુક્રવારે 10 ગ્રામ સોનું પ્રથમ વખત રૂ. 1,351ના ઉછાળા સાથે રૂ. 73,174ની સપાટીએ પહોંચ્યું હતું.
એ જ રીતે, શુક્રવારે એક કિલો ચાંદીની કિમત રૂ. 1,476ના ઉછાળા સાથે રૂ. 83,819 બોલાઇ ગઈ હતી. વર્ષ 2024માં અત્યાર સુધીમાં સોનાની કિમતમાં રૂ. 9,872નો વધારો થયો છે. પહેલી જાન્યુઆરીએ સોનું રૂ. 63,302 હતું. તે જ સમયે ચાંદીનો ભાવ પણ રૂ. 73,395 પ્રતિ કિલો હતો.