વેપાર

અંદાજપત્રમાં દાળ, કઠોળ, તેલીબિયાડ્ઢની ઉત્પાદન વૃદ્ધિનાં પ્રસ્તાવના અભાવથી અનાજ-કઠોળ બજારમાં નારાજગી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ
આ વખતે સહત નવમાં બજેટમાં વેપારીઓને ઘોર નિરાશા સાંપડી છે. દાળ, કઠોળ તેલીબિયાની ઉત્પાદન વૃદ્ધિ માટે કોઈ પ્રસ્તાવ જાહેર નથી થયા.

દેશમાં વર્ષે 80 લાખ ટન દાળ-કઠોળની આફ્રિકન દેશો, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપીયન યુનિયનથી આયાત થાય છે જેના અબજો ડૉલરની આયાત દેશના હૂંડિયામણને સીધી અસર કરે છે, એમ સ્થાનિક બજારનાં અગ્રણી વિશ્લેષક અને ફ્રેન્ડશિપ ટ્રેડર્સના દેવેન્દ્ર અમૃતલાલ વોરાએ જણાવતા ઉમેર્યું હતું કે એક દેશ એક ટેક્સ દેશભરની કૃષિ મંડીઓને આવરી લેવી જોઈએ. હાલ દેશમાં દરેક રાજ્યોના અલગ અલગ નિયમોને કારણે પણ બજારનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે.

આ ઉપરાંત સોયાબીન, સનફ્લાવર અને પામતેલ જેવાં ખાદ્યતેલનું આયાતી બિલ પણ બહુ મોટું છે જે દેશના ખેડૂતોને લાભ નહીં, પરંતુ નુકસાન કરે છે, એમ જણાવતાં તેમણે મફત રાશન બાબતે જણાવ્યું હતું કે મફત રાશન ફક્ત ગરીબો અને આદિવાસીને અપાય છે તેનો રૂ. 2,84,000 કરોડનો બોજ સરકારી તિજોરી પર પડે છે. તે માલ પશુઆહાર યોગ્ય હોવાથી બજારમાં આવતા બજારની તંદુરસ્તી બગાડે છે ઉપરાંત તે દેશના ખેડૂતોનું અપમાન પણ છે.

આપણ વાચો: બજેટમાં કરદાતાને રાહત હવે ટેક્સ ચોરી કેસના નહિ જવું પડે જેલ, દંડ ભરીને મામલો ઉકેલી શકાશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે જન-ધન ખાતામાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર માટે વારંવાર સરકાર ફરી જાય છે. ભારત બ્રાન્ડના આટા, ચોખા, દાળ, તેલ, મીઠાની યોજનાઓ સદંતર નિષ્ફળ ગઈ છે અને તેમાં ભ્રષ્ટાચાર પણ વધ્યો છે.

નાના મધ્યમ મોટા કોઈ પણ વેપારીઓને આનંદ થાય તેવા કોઈ પ્રસ્તાવ બજેટમાં નથી. નિકાસ નીતિઓ પણ ફક્ત મલ્ટિનેશનલોને ફાયદો થાય તેવી હોવાથી સરકારની અસલી વર્ષો જૂની વોટબેંક નિરાશ થઈ છે. આયાત નિકાસની વારંવાર મલ્ટિનેશનલના ઈશારે બનતી નીતિઓએ સામાન્ય વેપારીઓને હાંસિયામાં ધકેલી દીધા છે.

આયાત નિકાસની લાંબા ગાળાની યોજનામાં વેપારીઓનું પ્રતિનિધિત્વ હોય તો દેશ વધુ સક્ષમ બને. વાસ્તવમાં 60 લાખ કરોડનું ટર્નઓવર અને મોટી ટેક્સ રેવેન્યૂ મેળવી આપતી અને લાખો રોજગાર આપતા વેપારી સમાજની ઉપેક્ષા વાજબી ન હોવાનું ેતેમણે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button