વેપાર

અંદાજપત્રમાં દરિયાઈ ઉત્પાદનો અને લેધરની નિકાસ માટે ડ્યૂટી લાભની જાહેરાત

નવી દિલ્હીઃ આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે જાહેર કરવામાં આવેલા અંદાજપત્રના પ્રસ્તાવોમાં સરકારે પ્રોસેસ્ડ દરિયાઈ ઉત્પાદનો અને લેધર અથવા તો સિન્થેટિક ફૂટવૅરની નિકાસ માટે આયાતી ઈનપૂટ્સ પરની ડ્યૂટીમુક્ત આયાત મર્યાદા વધારવાનો સમાવેશ થયો છે.

દરિયાઈ ઉત્પાદનોના પ્રોસેસિંગ માટે આયાત થતાં ઈનપૂટ્સ પરની મર્યાદા જે આગલા વર્ષની નિકાસનાં ટર્નઓવરના એફઓબી ધોરણે એક ટકો હતી તે વધારીને ત્રણ ટકા કરવામાં આવી છે. વધુમાં લેધર અને સિન્થેટિક ફૂટવૅરની નિકાસ માટેના ચોક્કસ ઈનપૂટ્સની ડ્યૂટીમુક્ત આયાતને મંજૂરી આપી છે.

વધુમાં નાણાં પ્રધાને લેધર, ટેક્સ્ટાઈલ ગાર્મેન્ટ્સ, લેધર અથવા સિન્થેટિક ફૂટવૅર અને અન્ચ લેધરના નિકાસકારો માટે અંતિમ ઉત્પાદનોની નિકાસ માટેની સમયમર્યાદા જે હાલ છ મહિનાની છે તે વધારીને એક વર્ષ કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આ શ્રમલક્ષી ક્ષેત્રો છે અને આ ક્ષેત્રો મુખ્ય નિકાસ મથક ગણાતા અમેરિકામાં પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે 50 ટકા ટૅરિફ લાદી હોવાથી નિકાસમાં પડકારોનો સામનો કરી રહ્યા હોવાથી આ જાહેરાત ખૂબ મહત્ત્વ ધરાવે છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં ગત એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન દેશની લેધર અને લેધરના ઉત્પાદનોની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે 0.23 ટકા ઘટીને 3.3 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ગત એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન દરિયાઈ ખાદ્યની નિકાસ ગત સાલના સમાનગાળાના 5.67 અબજ ડૉલર સામે 15.53 ટકા વધીને 6.5 અબજ ડૉલરના સ્તરે રહી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button