કોમોડિટી -રમેશ ગોહિલ
ગત સપ્તાહ દરમિયાન અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી અને તેનાં પરિણામો ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર વિશ્ર્વભરની નજર રહી હતી. ખાસ કરીને અમેરિકાની ચૂંટણી પૂર્વે પરિણામોની અનિશ્ર્ચિતતા તથા મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગ પ્રબળ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું.
જોકે, ગત પાંચમી તારીખે અમેરિકાની ચૂંટણીના અંતિમ તબક્કા બાદ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પના વિજય સાથે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જોવા મળ્યું હોવાથી વૈશ્ર્વિક સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. વધુમાં ગત સાતમી નવેમ્બરે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો હતો. જોકે, નવા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની તેના આગામી કાર્યકાળ દરમિયાનની વેપાર નીતિ કેવી હશે તેમ જ ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં કેવી નાણાનીતિ અખત્યાર કરશે તેની અવઢવ વચ્ચે ફેડરલના વ્યાજદરમાં કાપની પણ સોનાના ભાવ પર કોઈ ખાસ અસર નહોતી જોવા મળી અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત સપ્તાહે ભાવમાં સાપ્તાહિક ધોરણે પાંચ મહિનાનો સૌથી મોટો ૧.૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં વિશ્ર્વ બજારને અનુસરતા ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિતના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૩૦મી નવેમ્બરના રૂ. ૭૮,૫૧૮ના બંધ ભાવ સામે રૂ. ૭૮,૪૪૫ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૭૮,૫૬૬ અને નીચામાં સપ્તાહના અંતે રૂ. ૭૭,૩૮૨ના મથાળે બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૩૬નો અથવા તો ૧.૪૪ ટકાનો ઘટાડો આવ્યો હતો.
એકંદરે ગત સપ્તાહે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા ગબડી ગયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ભાવમાં વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઘટાડો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, સ્થાનિક સ્તરે ધનતેરસ અને દિવાળી જેવા સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા દિવસો દરમિયાન ભાવસપાટી ઊંચી રહી હોવાથી માત્ર શુકનપૂરતી ખરીદી જોવા મળી હતી, પરંતુ જો આગામી દિવસોમાં ભાવમાં નરમાઈનું વલણ જળવાઈ રહે તો હવે ખુલનારી લગ્નસરાની માગમાં સુધારો જોવા મળે તેવો આશાવાદ બજાર વર્તુળો મૂકી રહ્યા છે.
ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહ્ેતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૮૪.૦૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને સાપ્તાહિક ધોરણે ૧.૮ ટકા જેટલો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. તેમ જ વાયદામાં પણ ભાવ ૦.૪ ટકા ઘટીને ૨૬૯૪.૮૦ ડૉલરના મથાળે બંધ રહ્યા હતા. એકંદરે ગત મહિનામાં અમેરિકામાં ચૂંટણીનો માહોલ અને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને કારણે સોનામાં સલામતી માટેની અવિરત માગને ટેકે ભાવમાં સુધારો જળવાઈ રહ્યો હતો, પરંતુ આ મહિનાનાં આરંભમાં ચૂંટણીનું સમાપન અને પરિણામો પણ આવી જતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એલિગન્સ ગોલ્ડના ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ એબાકરિમે જણાવતા ઉમેર્યું હતું કે ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા હોવાથી તેની સંભવિત ભવિષ્યની વેપાર નીતિઓને ધ્યાનમાં લેતા રોકાણકારોએ તેની અસ્ક્યામતોની વહેચણી કરી હોવાથી અમુક રોકાણકારોએ તેનું રોકાણ ધાતુમાંથી વિકેન્દ્રિત કરીને અન્ય રોકાણ તરફ વાળ્યું છે.
વધુમાં ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અપેક્ષાકૃત ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો હતો. તેમ જ બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે ચૂંટણીનાં પરિણામોની ફેડરલનાં ટૂંકા સમયગાળાની નીતિ પર કોઈ અસર જોવા નહીં મળે, પરંતુ ભવિષ્યમાં વ્યાજ કપાત અંગે સાવચેતીનું વલણ જરૂર અપનાવવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમ છતાં ટ્રમ્પની ભવિષ્યની વેપાર તથા વેરાની નીતિ કેવી હશે અને તેની નીતિની નાણાં નીતિ પર કેવી અસર પડશે તેની અવઢવ વચ્ચે સોનાના ભાવ અથડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, ક્રિસમસ પૂર્વેની આગામી ૧૭-૧૮ ડિસેમ્બરની ફેડરલની નીતિવિષયક બેઠક પહેલા સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૭૦૦ ડૉલરની ઉપરની સપાટીએ રહે તેવી શક્યતા એક વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સોનાની આયાત ૨૧.૭૮ ટકા વધીને ૨૭ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. તેમ જ કુલ આયાત પૈકી ૪૦ ટકાના હિસ્સા સાથે સ્વિત્ઝર્લેન્ડ ટોચનો નિકાસકાર દેશ રહ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે યુએઈ અને દક્ષિણ આફ્રિકા રહ્યો હતો. અમેરિકી ડૉલરમાં મજબૂતાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે હાલ વૈશ્ર્વિક સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા છે. ટ્રમ્પની ભવિષ્યની આર્થિક નીતિ અંગે બજાર વર્તુળો અટકળો મૂકી રહ્યા છે. જો, તેઓની નીતિ ફુગાવાલક્ષી રહેશે અને જો તેઓ અમેરિકન ઉદ્યોગના હિતને ધ્યાનમાં લેતાં સલામતીવાદી નીતિ અપનાવે તો અમુક વેપારી ભાગીદાર દેશો સાથેના વેપારી સંબંધો વણસવાને કારણે પણ ફુગાવામાં વધારો થશે પરિણામે ફેડરલ રિઝર્વની વ્યાજદરમાં કાપ મૂકવાની ગતિ ધીમી પડી શકે છે અને તેની અસર સોનાના ભાવ પર પડી શકે છે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૮૦થી ૨૭૬૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫,૦૦૦થી ૭૯,૦૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.