ડૉલર સામે રૂપિયામાં સુધારાને બ્રેક
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો ધીમો પડતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત બે સત્રના સુધારાને બ્રેક લાગી હતી અને છ પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૮ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૨ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૩૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૧ અને ઉપરમાં ૮૩.૨૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે છ પૈસા ઘટીને ૮૩.૩૮ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ બજારનાં વિશ્ર્લેષકોનું માનવું છે કે તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઑપૅક અને સહયોગી રાષ્ટ્રોની વાર્ષિક ધોરણે ઉત્પાદનમાં કાપ મૂકવાની બેઠક પૂર્વે હાલ તેલના ભાવ બેરલદીઠ ૮૪ ડૉલર આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહેશે. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૪૨ ટકા વધીને ૧૦૩.૨૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને બેરલદીઠ ૮૩.૯૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.
જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૬.૫૩ પૉઈન્ટનો અને ૩૬.૫૫ પૉઈન્ટનો જોવા મળેલો સુધારો તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૭૧.૯૧ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.