સોનામાં 212નું અને ચાંદીમાં 727નું બાઉન્સબૅક
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ પુન: આૈંસદીઠ 2500 ડૉલરની સપાટી પાર કરી ગયા બાદ આજે લંડન ખાતે વધ્યા મથાળેથી ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હતો.
આમ ઓવરનાઈટ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો બે પૈસા જેટલો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 211થી 212નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 727નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
આજે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 727 વધીને રૂ. 82,207ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 211 વધીને રૂ. 71,303 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 212 વધીને રૂ. 71,590ના મથાળે રહ્યા હતા.
અમેરિકાના ક્નઝ્યુમર અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટાની અનુક્રમે બુધવારે અને ગુરુવારે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભમાં સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 2506.59 ડૉલર અને વાયદામાં ભાવ 2535.20 ડૉલર આસપાસના મથાળે ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 28.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટનો આધાર અમેરિકાના જાહેર થનારા આગામી આર્થિક ડેટા પર નિર્ભર હોવાથી આજે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું છે અને જો ડેટા અપેક્ષા કરતાં નબળા આવે તો સોનાના ભાવને આૈંસદીઠ 2500 ડૉલર આસપાસની સપાટીએ મજબૂત ટેકો મળશે, એમ આઈજી માર્કેટનાં સ્ટે્રટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી મહિનાઓમાં સોનાના ભાવ આૈંસદીઠ 2660 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.
જોકે, ફેડરલ રિઝર્વ આગામી 17-18 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 71 ટકા અને 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 29 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ પર ટે્રડરો જોઈ રહ્યા છે.