ડૉલર સામે રૂપિયામાં ૧૩ પૈસાનું બાઉન્સબૅક
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે તેજી આગળ ધપવાની સાથે સ્થાનિક આર્થિક પરિબળો પણ મજબૂત રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૩ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૪૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ,માસાંતને કારણે ડૉલરમાં તેલ આયાતકારોની લેવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં આગેકૂચ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૫૭ના બંધ સામે સાધારણ વધીને ૮૩.૫૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૫૬ અને ઉપરમાં ૮૩.૪૩ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૩ પૈસા વધીને ૮૩.૪૪ના મથાળે બંધ રહ્યો હતો. એકંદરે આજે બૉન્ડને લગતાં વિદેશી આંતરપ્રવાહના ટેકા ઉપરાંત ઈક્વિટી માર્કેટમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હોવાથી રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે જૂનના અંત સુધી તેલ આયાતકારોની ડૉલરમાં લેવાલી જળવાઈ રહેતાં અમુક અંશે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા નકારી ન શકાય. આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૫૬૮.૯૩ પૉઈન્ટ અને ૧૭૫.૭૦ પૉઈન્ટના ઉછાળા સાથે નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.