ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનું બાઉન્સબૅક
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૨૯ના મથાળે બંધ રહ્યો હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી ફંડોનો બાહ્ય પ્રવાહ અને સ્થાનિક બજારમાં માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૦ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૪૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૪ અને ઉપરમાં ૮૩.૨૬ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૧ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૩.૨૯ના મથાળે બંધ રહ્યો હતો. આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૨ ટકા ઘટીને ૧૦૪.૯૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૩૨ ટકા ઘટીને બેરલદીઠ ૮૩.૩૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં રૂપિયાનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું. ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૧૦થી ૮૩.૭૦ની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા જણાય છે.