વેપાર

સોનામાં ₹ ૪૨૦નું અને ચાંદીમાં ₹ ૩૩૦નું બાઉન્સબૅક

મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે ખાસ કરીને રાજકીય-ભૌગોલિક તણાવ વધવાથી રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે છ સપ્તાહનો સૌથી મોટો એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. વધુમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૮થી ૪૨૦નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૩૦નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ નીચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૩૦ના સુધારા સાથે રૂ. ૭૧,૨૨૮ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ઊંચા મથાળેથી લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૮ વધીને રૂ. ૬૨,૧૪૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૨૦ વધીને રૂ. ૬૨,૩૯૦ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સોનામાં મુખ્યત્વે મધ્યપૂર્વના દેશોમાં વધેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સલામતી માટેની માગને સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સની મજબૂતી અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે છ સપ્તાહનો સૌથી વધુ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦૨૮.૯૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૦૩૧.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગઈકાલે એટલાન્ટા ફેડરલ રિઝર્વના પ્રમુખ રાફેલ બૉસ્ટિકે જણાવ્યું હતું કે હું ઈચ્છુ છું કે વ્યાજદરમાં કપાતની શરૂઆત અપેક્ષા કરતાં વહેલી થાય. જોકે, તેનો આધાર ફુગાવો કેટલી ઝડપે નીચે આવે છે તેના પર છે. પરંતુ વર્ષ ૨૦૨૪નાં ત્રીજા ત્રિમાસિકગાળાથી વ્યાજદરમાં કપાતની ધારણા રાખી શકાય. અત્રે નોંધનીય બાબત એ છે કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાત શરૂ કરે તેવી ૭૧ ટકા શક્યતા આગલા સપ્તાહે મૂકાઈ રહી હતી, તેની સામે આજે ૫૫ ટકા શક્યતા મૂકાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button