વેપાર

ચાંદીમાં ₹ ૧૧૭૧નું બાઉન્સબૅક, સોનામાં ₹ ૨૭૯ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડૉલર ઈન્ડેક્સની મજબૂતી સાથે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ છ મહિનાની નીચી સપાટી સુધી ગબડી ગયા બાદ આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂયિામાં ૧૪ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૮થી ૨૭૯નો ઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૧૭૧નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને ભાવ ફરી રૂ. ૭૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૭૧ની તેજી સાથે રૂ. ૭૧,૫૯૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈિાશ્ર્વક સ્તરે ભાવમાં સુધારો આવ્યો હોવા છતાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ અને સ્થાનિકમાં રૂપિયો મજબૂત રહ્યો હોવાથી આયાત પડતર ઘટવાને કારણે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૭૮ ઘટીને રૂ. ૫૭,૪૮૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૭૯ ઘટીને રૂ. ૫૭,૭૧૯ના મથાળે રહ્યા હતા. જોકે, ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી.

આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટાની અસર ફેડરલ રિઝર્વનાં નિર્ણય પર પડતી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો થવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૮૭૨.૨૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૬ ટકાના સુધારા સાથે ૧૮૮૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ બે ટકા વધીને ઔંસદીઠ ૨૩.૦૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં માસિક ધોરણે ચાર ટકાનો ઘટાડો આવી ગયો છે અને ત્રિમાસિક ધોરણે સતત બીજી વખત ઘટાડો આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button