ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણે ₹ ૧૩૧૨નું બાઉન્સબૅક, સોનામાં ₹ ૧૮૮નો સુધારો
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતા સોનાના ભાવમાં વધ્યા મથાળેથી હાજર અને વાયદાના ભાવમાં અનુક્રમે ૦.૨ ટકા અને ૦.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ ગઈકાલે ચાર મહિનાનો સૌથી મોટો ઉછાળો આવ્યા બાદ આજે ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧ ટકો ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોના સટ્ટાકીય આકર્ષણે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩૧૨નો ચમકારો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૮ વધી આવ્યા હતા.
આજે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી સટ્ટાકીય લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૧૨ના ચમકારા સાથે રૂ. ૭૩,૭૮૧ના મથાળે રહ્યા હતા. તેમ જ વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૮ના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫,૨૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫,૫૨૩ના મથાળે રહ્યા હતા. જોકે, રાબેતા મુજબ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની માગ પણ મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૧ ટકાનો સુધારો તેમ જ અમેરિકી ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ પણ ૨૦૦ દિવસની દૈનિક સરેરાશ ૪.૨૦૩૬ ટકાની ઉપર ક્વૉટ થઈ રહી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧૬૯.૭૭ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૨૧૭૪.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે હવે રોકાણકારો આગામી જૂન મહિનાથી રેટકટની શક્યતા અંગે નિર્ણાયક નિર્દેશ આપતા રિટેલ વેચાણના ડેટા, પ્રેડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના અહેવાલ અને બેરોજગારીના ડેટા પર નજર રાખી રહ્યા છે. જોકે, અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં થોડો વધારો થયો હોવા છતાં અમેરિકાની નાણાનીતિમાં બહુ ફેરફાર નહીં થાય તેવી શક્યતા વ્યક્ત કરતાં ઓએનડીએ સ્થિત એશિયા પેસિફિકનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે જો આજે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા અપેક્ષા મુજબના આવશે તો પણ સોનાના સુધારાને ટેકો આપશે. આગામી ૧૯-૨૦ માર્ચની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખવામાં આવે તેવી શક્યતા છે.