ઉત્તર પ્રદેશની શેરડીની બિસ્મિલ વેરાઈટીને ચાર રાજ્યમાં વાવેતર માટે મંજૂરી

બરેલીઃ ઉત્તર પ્રદેશના શાહજહાનપુર ખાતેની ઉત્તર પ્રદેશ સુગરકેન રિસર્ચ કાઉન્સિલ દ્વારા વિકસાવવામાં આવેલી ઉચ્ચ ઊપજ આપતી શેરડીની વેરાઈટીને સ્વાતંત્ર્ય સેનાની રામપ્રસાદ બિસ્મિલના નામથી શેરડીની વેરાઈટીને `બિસ્મિલ’ નામ આપ્યા બાદ વધુ ચાર રાજ્યમાં વાવેતર માટે મંજૂરી આપવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
અગાઉ આ વેરાઈટીના વાવેતર માટે માત્ર ઉત્તર પ્રદેશ રાજ્ય પૂરતી જ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને રાજસ્થાન ખાતે પણ વાવેતર માટે સેન્ટ્રલ કમિટીએ મંજૂરી આપી હોવાનું કાઉન્સિલના ડિરેક્ટર વી કે શુકલાએ જણાવ્યુંં હતું.
નોંધનીય બાબત એ છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસીએઆર)નાં ઑલ ઈન્ડિયા કૉઑર્ડિનેટેડ રિસર્ચ પ્રોજેક્ટ હેઠળ આ વેરાઈટી વિકસાવવામાં આવી છે. અધિકૃતપણે આ વેરાઈટીને કો (સીઓ) શા (એસએચએ)17231 (કોઈમ્બતુર-શાહજહાનપુર) નામ આપવામાં આવ્યું હતું. આ વેરાઈટી મુખ્યત્વે શેરડીના પાક સામે મુખ્ય ભય પમાડતા રેડ રોટ રોગ સામે પ્રતિકારક છે તેમ જ તેની સરેરાશ ઉત્પાદકતા અથવા તો ઊપજ હેક્ટરદીઠ 8.35 ટનની છે અને તેમાંથી ખાંડનો રિકવરી રેટ પણ 13.97 ટકા આસપાસનો રહે છે, એમ શેરડીના આ વેરાઈટી વિકસાવનાર ડૉ. અરવિંદકુમારે જણાવ્યું હતું.
એક વરિષ્ઠ વૈજ્ઞાનિક અજય તિવારીએ જણાવ્યું હતું કે આ નવી વેરાઈટીથી ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ખાંડના ઉત્પાદનને પણ પ્રોત્સાહિત કરશે. વર્ષ 1925ના કાકોરી ટ્રેન હુમલામાં મુખ્ય ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલના માનમાં શેરડીની આ વેરાઈટીને તેમનું નામ આપવામાં આવ્યું છે જેથી ભારતનાં સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને સ્વીકારી શકાય, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
વધુમાં એક્સ્ટેન્શન ઑફિસર સંજીવ પાઠકે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશનાં શેરડીનાં ઉત્પાદક એવા 42 જિલ્લામાં આ વેરાઈટીના બિયાંરણ વિતરીત કરવામાં આવ્યા હતા અને તેનાં પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા છે. શુકલાએ વધુમાં જણાવ્યું હતું કે આઈસીએઆરએ 25 પાકની અંદાજે કો શા સહિતની 184 નવી વેરાઈટીને તાજેતરમાં મંજૂરી આપી છે, જે તેની વૈજ્ઞાનિક યોગ્યતા અને સંભવિત અસરોને રેખાંકિત કરે છે.



