NPAમાં ટોચના 100 ડિફોલ્ટર્સનો 40 ટકાથી વધારે હિસ્સો
નવી દિલ્હી: લોન લીધા બાદ લોનની રકમ નહીં ચૂકવનારા ઉદ્યોગપતિઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ઉદ્યોગપતિઓ દ્વારા મોટી રકમની લોન લેવામાં આવે છે, પરંતુ સમયસર નહીં ચૂકવતા બેંકોની નાણાકીય સ્થિતિનું સંતુલન બગડી રહ્યું છે, તેમાંય વળી દેશના ટોચના 100 ડિફોલ્ટર્સનો કુલ એનપીએ (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ)માં 43 ટકાનો હિસ્સો છે. મીડિયાના અહેવાલ અનુસાર માર્ચ 2019 સુધીમાં જેઓ લોન ચૂકવી શક્યા નથી તેમાં મેન્યુફેક્ચરિંગ, એનર્જી અને કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ ટોચ પર છે.
અહેવાલ અનુસાર 43 ટકાથી વધુ એનપીએ ધરાવતી 100 કંપનીઓમાં હતી, જેમાંથી 30 લોન લેનારાઓ પાસે કુલ એનપીએના 30 ટકાથી વધુનો હિસ્સો છે. અહેવાલો અનુસાર 31 માર્ચ 2019 સુધીમાં બેંકો પાસે 9.33 લાખ કરોડ રૂપિયાની NPA હતી, જે ભારતની બેન્કિંગ પ્રણાલીના ઇતિહાસમાં વર્ષ 2018 બાદ નોંધાયેલી બીજી સૌથી વધુ ખરાબ લોનનું ભંડોળ છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે ટોચની 100 કંપનીઓની લોન એનપીએ જાહેર કરવામાં આવી છે તેમની એનપીએ 4.02 લાખ કરોડ રૂપિયા હતી, જે કુલ NPAના લગભગ 43 ટકા છે.
ડિફોલ્ટર્સમાં 3 સેક્ટર મોખરે
અહેવાલમાં મેન્યુફેક્ચરિંગ, એનર્જી અને કન્સ્ટ્રક્શન સેક્ટરને લગતી લોન નહિ ચૂકવવામાં ટોચ પર છે. આ ત્રણ ક્ષેત્રોની માત્ર 15 કંપની પર આ ટોચની 100 કંપનીના કુલ દેવાના પચ્ચાસ ટકા એટલે કે રૂ. 4.58 લાખ કરોડ કરતાં વધુ દેવું છે.
દર વર્ષે એનપીએમાં વધારો
એનપીએની રકમ દર વર્ષે વધી રહી છે. મળતા અહેવાલ અનુસાર 31 માર્ચ 2015 સુધી કુલ NPA 3.23 લાખ કરોડ રૂપિયા હતી. આ 31 માર્ચ, 2018 સુધીમાં વધીને રૂ. 10.36 લાખ કરોડ થઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ હતી. જોકે, ગયા વર્ષે તેમાં થોડો ઘટાડો થયો હતો.
ટોચના ડિફોલ્ટર્સમાં કઈ કંપની?
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન પણ દેશની ટોચની ડિફોલ્ટર કંપનીમાં સામેલ છે. અલગ અલગ સેક્ટર મુજબના ટોચના ડિફોલ્ટર્સમાં એનર્જી/પાવરમાંથી કેએસકે મહાનદી પાવર કંપની લિમિટેડ, મેન્યુફેક્ચરિંગમાંથી ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડ, રિયલ એસ્ટેટ/કન્સ્ટ્રક્શનમાંથી જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ અને ટેલિકોમમાંથી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડનો સમાવેશ થાય છે.
આ કંપનીઓ નાદારીની પ્રક્રિયામાં
વળી આ અહેવાલમાં ઘણી કંપનીઓ નાદારીની પ્રક્રિયામાં હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. તેમાં અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપનીનો પણ સમાવેશ થાય છે. આરબીઆઈના ડેટા અનુસાર, આ કંપનીઓ નાદારીની પ્રક્રિયામાં છે, જેમા રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ, રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ, જેપી ગ્રુપના જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડ, જયપ્રકાશ પાવર વેન્ચર લિમિટેડ, જેપી ઇન્ફ્રાટેક લિમિટેડ, IL&FS ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ, રુચી સોયા ઇન્ડસ્ટ્રીઝ (હવે પતંજલિ ફૂડ્સ), વિડિયોકોન ગ્રુપની બે કંપની, જિંદાલ ઈન્ડિયા થર્મલ પાવર અને મેહુલ ચોકસીની ગીતાંજલિ જેમ્સ વગેરે.