વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૪૭નો અને ચાંદીમાં ₹ ૭૪૩નો ઘટાડો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને હુતી બળવાખોરોએ યુકેની માલિકીના જહાજ પર હુમલો કર્યો હોવાનો દાવો કરતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિને ધ્યાનમાં લેતા આજે સોનાચાંદીના ભાવમાં આરંભિક સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ ફેડરલ રિઝર્વ દ્વારા નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાની શક્યતા ઓસરી ગઈ હોવાથી સુધારો ક્ષણભંગુર નીવડ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો, જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૬થી ૧૪૭નો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૭૪૩ ઘટી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા ઘટતા સોનાની આયાત પડતર વધવાથી ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૭૪૩ના ઘટાડા સાથે રૂ. ૬૯,૬૫૩ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ઊંચા મથાળેથી છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહેવાથી તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૬ ઘટીને રૂ. ૬૧,૭૬૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૪૭ ઘટીને રૂ. ૬૨,૦૦૮ના મથાળે રહ્યા હતા. તાજેતરમાં અમેરિકાના ફુગાવાના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં નજીકના ભવિષ્યમાં ઘટાડો કરે તેવી શક્યતા ઓસરી જતાં સોનામાં તેજી રૂંધાઈ રહી છે.