વેપાર અને વાણિજ્ય

વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૨૪૫ અને ચાંદીમાં ₹ ૨૩૩ તૂટ્યા

ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર રાખશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે આ વર્ષમાં હજુ એક વખત વ્યાજદરમાં વધારાની અને વર્ષ ૨૦૨૪માં નાણાં નીતિ હળવી થવાની બહુ ઓછી શક્યતા વ્યક્ત કરતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૪થી ૨૪૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩૩નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદ વચ્ચે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૩૩ ઘટીને રૂ. ૭૨,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૭૧,૯૭૧ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૪ ઘટીને રૂ. ૫૮,૮૩૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૪૫ ઘટીને રૂ. ૫૯,૦૭૨ના મથાળે રહ્યા હતા. ગઈકાલે ફેડરલ રિઝર્વે અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ કડક નાણાનીતિનો સંકેત આપતા જણાવ્યું હતું કે ફુગાવા સામેની આ લડત વર્ષ ૨૦૨૬ સુધી જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૪ ટકા ઉછળીને ગત નવમી માર્ચ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધીને ૧૭ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. આમ ડૉલર તથા યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૨૨.૩૦ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૨ ટકા ઘટીને ૧૯૪૨.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૧૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


ફેડરલ રિઝર્વના આક્રમક નાણાનીતિના સંકેતો સાથે રોકાણકારોના વર્ષ ૨૦૨૪માં વ્યાજદર હળવા થવાના આશાવાદ પર પાણી ફરી વળ્યું હોવાથી આગામી દિવસોમાં સોનાના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા એનએબી કૉમૉડિટી રિસર્ચના એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર આજની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની નીતિવિષયક બેઠકનાં નિર્ણય પર સ્થિર થઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button