વિશ્વ બજાર પાછળ સોનામાં ₹ ૨૩૧નો અને ચાંદીમાં ₹ ૨૦૬નો ઘટાડો
અમેરિકામાં ફેબ્રુઆરીનો ફુગાવો વધતાં જૂનથી રેટ કટની શક્યતા ધૂંધળી
મુંબઈ: અમેરિકા ખાતે ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષાથી વિપરીત વધારો થયો હોવાના નિર્દેશો સાથે આગામી જૂનથી ફેડરલ રિઝર્વ રેટ કટની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બનતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક મહિનાનો સૌથી મોટો ૧.૧ ટકાનો ઘટાડો નોંધાયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો. જોકે, ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૦થી ૨૩૧નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૦૬નો ઘટાડો આવ્યો હતો. .૯૯૯ ટચ ચાંદીમાં અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૦૬ના ઘટાડા સાથે રૂ. ૭૨,૪૬૯ના મથાળે રહ્યા હતા. આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૦ ઘટીને રૂ. ૬૫,૦૭૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩૧ ઘટીને રૂ. ૬૫,૩૩૫ના મથાળે રહ્યા હતા. અમેરિકા ખાતે જાહેર થયેલા ફુગાવામાં બજારની ધારણા કરતાં વધુ વધારો થવાથી તેમ જ ફુગાવો સ્થિર રહે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે આગામી જૂનથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બનતાં ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ ૧.૧ ટકાના ઘટાડા સાથે ગત ૧૩ ફેબ્રુઆરી પછીની નીચી સપાટીએ પહોંચ્યા હતા.