વેપાર

બાર્ગેન હંટિંગ: સેન્સેક્સ લગભગ ૧૦૦ પોઈન્ટ ઉછળીને નવી લાઇફટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશી ફંડના એકધારા આંતરિક પ્રવાહ સાથે એનર્જી, યુટિલિટી અને બેન્કિંગ સેકટરના શેરમાં બાર્ગેન હંટિંગને કારણે નીકળેલી નવેસરની લેવાલીના ટેકા સાથે ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ સોમવારના સત્રમાં લગભગ ૧૦૦ પોઈન્ટ ઉછળીને નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે, નિફ્ટીએ નવું ઈન્ટ્રા-ડે વિક્રમી સ્તર સ્તર હાંસલ કર્યું હતું.

સેન્સેક્સ ૯૭.૮૪ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા વધીને ૮૨,૯૮૮.૭૮ પોઇન્ટની નવી રેકોર્ડ ટોચ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૨૯૩.૪ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા ઉછળીને ૮૩,૧૮૪.૩૪ ની નવી લાઈફ ટાઈમ ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૨૭.૨૫ પોઈન્ટ અથવા ૦.૧૧ ટકા વધીને ૨૫,૩૮૩.૭૫ની સપાટીએ સેટલ થયો હતો. દિવસ દરમિયાન, બેન્ચમાર્ક ૮૯.૨ પોઈન્ટ અથવા ૦.૩૫ ટકા વધીને ૨૫,૪૪૫.૭૦ની નવી ઈન્ટ્રા-ડે રેકોર્ડ ટોચ પર પહોંચ્યો હતો.

એનટીપીસી, એલએન્ડટી, એચયુએલ, ઓક્સિસ બેન્ક: સેન્સેક્સ ચાર્ટ પર એનટીપીસી સૌથી વધુ ૨.૪૪ ટકા વધ્યો હતો, ત્યારબાદ જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક, નેસ્લે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલનો ટોપ ગેઇનર્સમાં સમાવેશ હતો. બજાજ ફાઇનાન્સ ત્રણ ટકાથી વધુ ઘટાડા સાથે ટોપ લુઝર બન્યો હતો. સૌથી વધુ ઘટનારા અન્ય શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ અને એશિયન પેઈન્ટ્સનો સમાવેશ હતો.

બજાજ, ક્રોસ, ટોલિન્સ, : બજાજ હાઉસિંગ કેપિટલનું લિસ્ટીંગ તેના રૂ. ૭૦ના ઇશ્યૂ ભાવ સામે ૧૧૪ ટકાના ઉછાળા સાથે રૂ. ૧૫૦ના ભાવે થયું હતું અને ત્યારબાદ તે વધઘટમાંથી પસાર થઇને રૂ. ૧૬૫ નજીક ઉપલી સર્કિટમાં અથડાયો હતો. ક્રોસ લિમિટેડના શેર તેના રૂ. ૨૪૦ના ઇશ્યૂભાવે જ લિસ્ટેડ થયા હતા અને પાછળથી ૧૦.૬૮ ટકા ઉછળીને રૂ. ૨૬૫.૬૫ બોલાયા હતા. ટોલિન્સ ટાયર્સનો શેર તેના રૂ. ૨૨૬ના ઇશ્યૂ ભાવ સામે એક ટકાના પ્રીમિયમે લિસ્ટેડ થઇ સત્ર દરમિયાન ૫.૪૪ ટકાના વધારા સાથે રૂ. ૨૩૮.૩૦ સુધી વધી ઉપલી સર્કિટને અથડાયો હતો.

શ્રી રામ, હિન્દાલ્કો, એચયુએલ, રેતાન: એકાદ બે વર્ષમાં શ્રી રામ ગ્રુપે તેની વીમા કંપનીના લિસ્ટિંગની વિચારણા હોવાનું કંપની અધિકારીએ જણાવ્યું હતું. સ્ટીલ પ્રોડક્ટની ઉત્પાદક અને ટ્રેડિંગ કંપની રેતાન ટીએમટીમાં એચએનઆઇ બાઇંગ વચ્ચે ૧.૯૦ લાખ શેરનું વોલ્યુમ સાથે ૫.૧૩ ટકા વધીને રૂ. ૧૬.૩૯ પર બંધ થયો હતો. નિફ્ટીના ટોપ ગેઇનરમાં એનટીપીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઇનાન્સ અને એલએન્ડટી, જ્યારે ટોપ લુઝરમાં બજાજ ફાઇનાન્સ, એચયુએલ, બજાજ ફિનસર્વ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ હતો.

સન ફાર્મા, રેડિકો, બાયોકોન, ગેલેક્સી, ડિક્સોન: બીએસઇ પર ૩૮૦ શેર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતા, જેમાં જ્યુબિલન્ટ ઇન્ગ્રીવા, એલટીઆઇમાઇન્ડટ્રી, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, એમસીએક્સ ઇન્ડિયા, રેડિકો ખૈતાન, શ્રીરામ ફાઇનાન્સ, શ્યામ મેટાલિક્સ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, બાયોકોન, ડિક્સોન ટેકનોલોજી, ગેલેક્સી સર્ફકટન્ટ, ગોડફ્રે ફિલિપ્સ, એચસીએલ ટેકનોલોજીસ, જેએમ ફાઇનાન્શિયલ, જેેસબડલ્યુ સ્ટીલ સહિતના શેરોનો સમાવેશ હતો.

એશિયાઇ બજારોમાં મિશ્ર વલણ, યુએસ અને યુરોપમાં તેજી: એશિયન બજારોમાં, હોંગકોંગનો અંત તેજી સાથે રહ્યો હતો, જ્યારે જાપાન, ચીન અને દક્ષિણ કોરિયાના બજારો રજાઓ માટે બંધ હતા. યુરોપીયન બજારો મોટાભાગે ઊંચા વેપાર કરી રહ્યા હતા. શુક્રવારે યુએસ બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૨,૩૬૪.૮૨ કરોડની ઇક્વિટી ખરીદી હતી. જ્યારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે પણ રૂ. ૨,૫૩૨.૧૮ કરોડની ઇક્વિટી લેવાલી નોંધાવી હતી.

બ્રેન્ટ ઓઇલમાં ઉછાળો: ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૫ ટકા વધીને ૭૧.૯૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. બજારના સાધનોએ જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક ઇક્વિટી બજારો બુધવારે ફેડરલ રેટની કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે નજીકના ગાળામાં શેરબજારના વલણને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. દેશભરમાં મજબૂત ચોમાસા સાથે તહેવારોમાં સારી માગ નીકળવાના આશાવાદ અને વૈશ્ર્વિક મોરચે અમેરિકાની ફેડરલ વ્યાજદરમાં ઘટાડો કરે આવી સંભાવના પ્રબળ બનવા સાથે શેરબજારે નવા શિખરો સર કરવાનું ચાલુ રાખ્યું હતુ. પાછલા સપ્તાહમાં બીએસઇ સેન્સેક્સ ૧,૭૦૭.૦૧ પોઈન્ટ્સ અથવા ૨.૧૦ ટકા વધીને ૮૨,૮૯૦.૯૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે એનએસઇનો નિફ્ટી ઈન્ડેક્સ ૫૦૪.૩૫ પોઈન્ટ્સ અથવા ૨.૦૨ ટકા વધીને ૨૫,૩૫૬.૫૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. આ અગાઉ ૧૨ સપ્ટેમ્બરના રોજ, નિફ્ટી૫૦ અને બીએસઇ સેન્સેક્સે અનુક્રમે ૨૫,૪૩૩.૩૫ અને ૮૩,૧૧૬.૧૯ની વિક્રમી ઊંચાઈ હાંસલ કરી હતી.

ભારતીય શેરબજારોએ સમીક્ષા હેઠળના પાછલા અઠવાડિયે એફઆઈઆઈના ડિસ્ક્લોઝર ધોરણો માટેની સેબીની ડેટલાઇન પૂરી થવા સાથે અમેરિકામાં મંદીના ભયને કારણે ઉદ્ભવેલા નકારાત્મક સેન્ટિમેન્ટ્સને અંકુશમાં લેવામાં સફળ રહ્યાં હતાં. અસ્થિરતા હોવા છતાં, મજબૂત ચોમાસા સાથે તહેવારોની મોસમ દરમિયાન ગ્રાહક માગમાં વધારાની અપેક્ષાએ રોકાણકારોના સેન્ટિમેન્ટને મજબૂતી આપી છે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય ફંડ અને સ્થાનિક સંસ્થાકીય ફંડનો રોકાણ પ્રવાહ પણ સારો રહ્યો છે.

બજારના અભ્યાસુઓ અનુસાર આગળ જતાં, બજારનું ધ્યાન આ સપ્તાહે યોજાનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)ની મીટિંગ પર રહેશે, એ જ સાથે, સ્થાનિક બજારની દિશા કોર્પોરેટ કમાણીથી પણ પ્રભાવિત થશે, જે બીજા ત્રિમાસિક સમયગાળામાં સુધારો થવાની આગાહી છે. નોંધવું રહ્યું કે, પાછલા સત્રમાં ગુરુવારે છેલ્લા કલાકોમાં નીકળેલી તેજીએ સેન્સેક્સને પહેલી જ વખત ૮૩,૦૦૦ના સ્તરે પહોંચાડી દીધો હતો. બેરોમીટર ૧,૫૯૩.૦૩ પોઈન્ટ અથવા ૧.૯૫ ટકા વધીને ૮૩,૧૧૬.૧૯ના જીવનકાળની ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યું હતું. ઈન્ડેક્સ ૧,૪૩૯.૫૫ પોઈન્ટ અથવા ૧.૭૭ ટકા વધીને ૮૨,૯૬૨.૭૧ની વિક્રમી સપાટીએ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૪૭૦.૪૫ પોઈન્ટ અથવા ૧.૮૯ ટકા વધીને ૨૫,૩૮૮.૯૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button