બાંગ્લાદેશનાં 50,000 ટન ચોખાની આયાતનું ટેન્ડર ભારતીય નિકાસકારને ફાળે | મુંબઈ સમાચાર
વેપાર

બાંગ્લાદેશનાં 50,000 ટન ચોખાની આયાતનું ટેન્ડર ભારતીય નિકાસકારને ફાળે

કોલકાતા/રાયપુરઃ બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા 50,000 ટન ચોખાની આયાત માટે બહાર પાડવામાં આવેલું આંતરરાષ્ટ્રીય ટેન્ડર રાયપુર સ્થિત એક કંપનીને ફાળે ગયું હોવાના અહેવાલ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર છત્તીસગઢસ્થિત બગડિયા બ્રધર્સ પ્રા. લિ.ને આ ઓર્ડર મળ્યો હોવાનું કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. ટેન્ડરની ઓપનિંગ શીટ અનુસાર બિડિંગની પ્રક્રિયામાં ભારત, સિંગાપોર, યુએઈ અને ઈન્ડોનેશિયાએ ભાગ લીધો હતો જેમાં બગડિયા બ્રધર્સને ટનદીઠ 359.77 ડૉલરના ભાવથી ઓર્ડર મળ્યો હોવાનું પીટીઆઈએ જણાવ્યું હતું. ઓર્ડરને સમર્થન આપતા કંપનીનાં સહાયક જનરલ મેનેજર એસ પી જયસ્વાલે જણાવ્યું હતું કે અમને ઓર્ડર મળ્યો છે અને 40 દિવસની અંદર ક્નસાઈન્મેન્ટ રવાના કરવાનું છે.

આ પણ વાંચો: ચીનથી આયાત થતાં ક્રેન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ

બાંગ્લાદેશની વચગાળાની સરકારનું 50,000 ટન ચોખાની આયાતનું આ પહેલું આંતરરાષ્ટ્રીય ટેન્ડર ગત સોમવારે ખુલ્યું હતું અને ટેન્ડરની પ્રક્રિયામાં અમે પણ સહભાગી થયા હતા, પરંતુ સફળ નહોતા થયા એમ પશ્ચિમ બંગાળસ્થિત જય બાબા બારકેશ્વર રાઈસ મિલનાં ડિરેક્ટર રાહુલ ખેતાને જણાવ્યું હતું. ટેન્ડરના ધોરણો અનુસાર ક્નસાઈન્મેન્ટ ફરજિયાતપણે દરિયાઈ માર્ગે અને મોટા વેસલમાં મોકલવાનું રહેશે. જોકે, અમારા સહિત પશ્ચિમ બંગાળના બે નિકાસકારોએ ટેન્ડરમાં ભાગ લીધો હોવાનું ઉમેર્યું હતું.

એકંદરે બાંગ્લાદેશ ચાર લાખ ટન ચોખાની પ્રાપ્તિ કરનાર છે અને આગામી ટૂંકા સમયગાળામાં વધુ ટેન્ડરો આવશે જેનો લાભ પશ્ચિમ બંગાળના નિકાસકારોને મળે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. ગત જુલાઈ મહિનામાં નવ લાખ ટન ચોખાની પ્રાપ્તિની કરવામાં આવેલી જાહેરાત પૈકી પાંચ લાખ ટનની ફાળવણી ખાનગી આયાતકારોને કરવામાં આવી હતી આ પ્રકારની ખાનગી નિકાસ શરૂ થઈ હોવાનું ખેતાને જણાવતાં ઉમેર્યું હતું કે અંદાજે 1.50 લાખ ટન ખાનગી નિકાસ થઈ છે અને પશ્ચિમ બંગાળનાં નિકાસકારોએ આ ઓર્ડર પૈકીનો નોંધપાત્ર હિસ્સો અંકે કર્યો છે.

આ પણ વાંચો: નિકાસ ૬.૭ ટકા વધીને ૩૫ અબજ ડોલરના સ્તરે, આયાતમાં ૧૦ ટકાનો ઘટાડો

દરમિયાન ભારતે નોન બાસમતી રાઈસ ડેવલોપમેન્ટ ફંડની સ્થાપના કરી છે જેમાં મુખ્યત્વે નોન બાસમતી ચોખાની નિકાસને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમ જ વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે નીતિવિષયક અને વ્યૂહાત્મક ભલામણો પણ આપવામાં આવે છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button