વેપાર

તહેવારોનાં 42 દિવસમાં ઑટોમોબાઈલનું રિટેલ વેચાણ બાવન લાખ યુનિટની વિક્રમ સપાટીએ…

નવી દિલ્હીઃ ગત નવરાત્રીથી જીએસટી 2.0 અથવા તો જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવતા વાહનોના ભાવમાં ઘટાડો આવ્યો હતો અને જનતાની ખરીદશક્તિમાં વધારો થવાથી તહેવારોના 42 દિવસમાં સ્થાનિકમાં પેસેન્જર વાહનો તેમ જ દ્વીચક્રી વાહનોનાં રજિસ્ટ્રેશનમાં વર્ષાનુવર્ષ ધોરણે 21 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ તહેવારો દરમિયાન વાહનોનું કુલ રિટેલ વેચાણ ગત સાલના સમાનગાળાના 43,25,632 યુનિટ સામે વધીને 52,38,401 યુનિટની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહ્યું હતું.

એકંદરે વર્ષ 2025નો તહેવારોનો આ 42 દિવસનો સમયગાળો ભારતીય ઑટો રિટેલ માટે માઈલ સ્ટોન અથવા તો સીમા ચિહ્નરૂપ પુરવાર થયો હતો અને તમામ શ્રેણીનાં વાહનોના વેચાણમાં સર્વોચ્ચ વૃદ્ધિદર જોવા મળ્યો હોવાનું ફેડરેશન ઑફ ઑટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના પ્રમુખ એસ વિઘ્નેશ્વરે એક યાદીમાં જણાવ્યું હતું.

સમીક્ષા હેઠળના સમયગાળામાં પેસેન્જર વાહનોનું રજિસ્ટ્રેશન ગત સાલના સમાનગાળાના 6,21,539 યુનિટ સામે 23 ટકા વધીને 6,21,539 યુનિટની સપાટીએ રહ્યું હતું. વાસ્તવમાં જીએસટી 2.0ને કારણે મધ્યમવર્ગની પોસાણક્ષમતામાં વધારો થયો હોવાથી ડીલરોના શૉ રૂમમાં ગ્રાહકોની ચહેલપહેલ વધી હતી અને ટૅક્સમાં ઘટાડો થવાથી સબ-4 મીટર કાર ઉપરાંત અન્ય મૉડૅલોમાં પણ ખરીદીમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું ડીલરોએ જણાવ્યું હતું.

વધુમાં આ સમય દરમિયાન દ્વીચક્રી વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 22 ટકા વધીને 40,52,503 યુનિટ (33,27,198 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું. દ્વીચક્રી વાહનોમાં મુખ્યત્વે પ્રવાહિતા વધવાની સાથે જીએસટીનાં તાર્કિકીકરણને કારણે પોસાણક્ષમતા વધતા ગ્રામીણ વિસ્તારોમાં માગ વધુ રહી હોવાનું વિઘ્નેશ્વરે જણાવતા ઉમેર્યું હતું કે એકંદરે કોમ્યુટર્સ બાઈક, સ્કૂટર્સ અને ઈલેક્ટ્રિક વાહનોમાં રહેલી પ્રબળ માગને ધ્યાનમાં લેતા ડીલરો ગત તહેવારોની મોસમને યાદગાર મોસમ તરીકે ગણાવી રહ્યા છે.

તહેવારોની આ મોસમ દરમિયાન ત્રિચક્રી વાહનો અને વેપારી વાહનોના રજિસ્ટ્રેશનમાં વર્ષાનુવર્ષ ધોરણે અનુક્રમે નવ ટકા અને 15 ટકાની વૃદ્ધિ જોવા મળી હોવાનું તેમણે જણાવતા કહ્યું હતું કે જીએસટી 2.0 સુધારા એ માત્ર વેરાનું સરળીકરણ નથી થયું, પરંતુ ગ્રાહક માગલક્ષી વૃદ્ધિ થતાં દેશનાં અર્થતંત્રને પણ ટેકો મળશે.

ફેડરેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત ઑક્ટોબર મહિનામાં ઑટોમોબાઈલનું રિટેલ વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 41 ટકા વધીને 40,23,923 યુનિટની સપાટીએ રહ્યું હતું. જેમાં પેસેન્જર વાહનોનું વેચાણ 11 ટકા વધીને 5,57,373 યુનિટ (5,00,578 યુનિટ)ના સ્તરે અને દ્વીચક્રી વાહનોનું વેચાણ બાવન ટકા વધીને 31,49,846 યુનિટ (20,75,578 યુનિટ)ની સપાટીએ રહ્યું હતું.

એકંદરે ગત ઑક્ટોબર મહિનામાં પેસેન્જર અને દ્વીચક્રી વાહનોનું વેચાણ ઐતિહાસિક ઊંચી સપાટીએ રહ્યું હતું, જે ગ્રાહકોનાં વિશ્વાસમાં વૃદ્ધિ અને મજબૂત આર્થિક પ્રવાહને પ્રતિબિંબિત કરે છે. જીએસટી 2.0નાં અમલીકરણ પૂર્વેના સપ્ટેમ્બરના પહેલા 21 દિવસ કામકાજો શાંત રહ્યા બાદ બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને ઑક્ટોબરમાં વેચાણ વિક્રમ સપાટીએ પહોંચ્યું હોવાનું વિઘ્નેશ્વરે ઉમેર્યું હતું.

વધુમાં ગત ઑક્ટોબર મહિનામાં ત્રિચક્રી વાહનોનું વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે પાંચ ટકા વધીને 1,29,517 યુનિટના સ્તરે રહ્યું હતું, જ્યારે વેપારી વાહનોના વેચાણમાં 18 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button