ચા ઉદ્યોગમાં બેવડું માળખું સક્ષમ હોવું જોઈએઃ આસામ ચીફ સક્રેટરી | મુંબઈ સમાચાર
વેપાર

ચા ઉદ્યોગમાં બેવડું માળખું સક્ષમ હોવું જોઈએઃ આસામ ચીફ સક્રેટરી

કોલકાતાઃ ચા ઉદ્યોગમાં હાલનું બેવડુ માળખું નાના અને મોટા સંગઠિત ઉત્પાદકો માટે લાંબા સમયગાળા સુધી ચાલે તેવું સક્ષમ હોવું જોઈએ એમ આસામના ચીફ સેક્રેટરી રવિ કોટાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આસામ દેશનું સૌથી મોટું ચા ઉત્પાદક રાજ્ય છે અને કુલ ચાના પાક પૈકી 50 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

એકંદરે ચા ઉદ્યોગમાં બેવડા માળખા અર્થાત્‌‍ મોટા સંગઠિત ખેલાડીઓ અને નાના ચા ઉત્પાદકો (સ્મોલ ટી ગ્રોઅર્સ)ની હાજરી સક્ષમ હોવી જોઈએ અને બન્ને પક્ષોએ એકબીજાને અન્ડરકટિંગ કર્યા વિના સહઅસ્તિત્વ જાળવી રાખવું જોઈએ, એમ રવિ કોટાએ ઈન્ડિયન ટી એસોસિયેશનની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સંગઠિત ક્ષેત્રએ પ્લાન્ટેશન એક્ટ હેઠળ અમુક કલ્યાણક જવાબદારીઓ અદા કરવી જોઈએ, જે નાના ચા ઉત્પાદકોએ આવશ્યક નથી હોતી. બન્ને સેગ્મેન્ટ સાથે રહીને પોસાણક્ષમ રહેવા જોઈએ. પ્રાપ્ત અહેવાલ અનુસાર દેશમાં ચાના કુલ ઉત્પાદનમાં નાના ઉત્પાદકો 50 ટકા કરતાં વધુ હિસ્સો ધરાવે છે.

આપણ વાંચો: PM Modi પછી કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન અમેરિકા જવા રવાના, નવા ટેરિફ મુદ્દે થઈ શકે ચર્ચા

વધુમાં કોટાએ ચાના લઘુતમ ટકાઉ ભાવની હાકલ કરવાની સાથે એક વાજબી મૉડૅલ તૈયાર કરવું જોઈએ જણાવવાની સાથે આયાત સંદર્ભે કહ્યું હતું કે આયાતના મૂળ સ્રોત અથવા તો ઓરિજિનની ઓળખ ફરજિયાત ધોરણે થવી જોઈએ.

એસોસિયેશનનાં ચેરમેન હેમંત બાંગુરે જણાવ્યું હતું કે હાલમાં ભાવમાં સ્થગિતતા, શ્રમિકોની ઉપલબ્ધિ અને હવામાનમાં થઈ રહેલા પરિવર્તનો જેવાં કંઈક પડકારોનો સામનો ચા ઉદ્યોગ કરી રહ્યો છે.

સંગઠિત ક્ષેત્રમાં ખાસ કરીને ઊંચા ઈનપૂટ ખર્ચને કારણે કામકાજો પોસાણક્ષમ નથી રહ્યા આથી લેવલ પ્લેઈંગ ફિલ્ડની આવશ્યકતા છે. ખાસ કરીને ઓર્થોડોક્સ ચાનાં ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને આરઓડીટીઈપી (રેમિસન ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ)માં વધારો કરવાની જરૂર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે બદલાઈ રહેલા હવામાનની ચા ઉદ્યોગ પર અસર પડી રહી છે. તાજેતરમાં ઉત્તર બંગાળમાં ભારે વરસાદ અને ભેખડો ધસી પડતા ખાસ કરીને દાર્જિલિંગ, ડુઆર્સ અને તેરાઈ વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. તેમ જ દાર્જિલિંગ ચા ઉદ્યોગે કટોકટીમાંથી બહાર આવવા નાણાકીય સહાયનો અનુરોધ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button