વેપાર

રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૫૬નો અને ચાંદીમાં રૂ. ૨૨૯નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં આજે વર્ષનાં આરંભે મધ્યસત્ર દરમિયાન સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ખાસ કરીને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૨૯ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૨૯ના સુધારા સાથે રૂ. ૭૩,૬૨૪ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવા છતાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૬ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાા રૂ. ૬૩,૦૪૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૩,૩૦૨ના મથાળે રહ્યા હતા.

આજે વર્ષ ૨૦૨૪નો પહેલો દિવસ હોવાથી નવા વર્ષ નિમિત્તે લંડન ખાતે બજારો બંધ રહી હતી. જોકે, ગત વર્ષ ૨૦૨૩નાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં કપાતની શક્યતાઓ પ્રબળ બનવાની સાથે વર્ષ ૨૦૨૩ની છેલ્લી નીતિવિષયક બેઠકમાં ફેડરલે વ્યાજદરમાં કપાતના સ્પષ્ટ સંકેતો આપતા સોનામાં તેજી વેગીલી બની હતી અને વર્ષ ૨૦૨૩ દરમિયાન વાર્ષિક ધોરણે સોનાના વૈશ્ર્વિક ભાવમાં ત્રણ વર્ષનો સૌથી મોટો ૧૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. વધુમાં વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વે ત્રણ વખત વ્યાજ કપાતના નિર્દેશ આપ્યા હોવાથી આગામી દિવસોમાં પણ ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની નરમાઈ સાથે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેવાનો આશાવાદ બજાર વર્તુળો સેવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button