વેપાર અને વાણિજ્ય

રૂપિયો મજબૂત થતાં સોનામાં રૂ. ૨૪૪નો ઘટાડો, ચાંદી રૂ. ૨૧૭ વધી

મુંબઈ: સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં નવાં લ્યૂનાર વર્ષની ઉજવણીની રજાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર તેમ જ વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોના અભાવ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટી આવતાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૨થી ૨૪૪નો ઘટાડો આવ્યો હતો, જ્યારે વૈશ્વિકપ્રોત્સાહક અહેવાલે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૧૭ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૭ વધીને રૂ. ૭૦,૮૫૫ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં વૈશ્વિક બજારમાં ટકેલું વલણ હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ આજે રૂપિયો મજબૂત થવાથી સોનાની આયાત પડતરો ઘટી આવતા મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૨ ઘટીને રૂ. ૬૨,૧૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૪૪ ઘટીને રૂ. ૬૨,૩૮૦ના મથાળે રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


આવતીકાલે અમેરિકાનાં જાન્યુઆરી મહિનાના ફુગાવાની ડેટાની જાહેરાત થવાની હોવાથી તેમ જ સપ્તાહ દરમિયાન ફેડરલ રિઝર્વનાં લગભગ સાત અધિકારીઓ તેઓનું મંતવ્ય આપવાના હોવાથી આજે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં ભાવ અનુક્રમે ઔંસદીઠ ૨૦૨૩.૦૩ ડૉલર અને ૨૦૩૭.૧૦ ડૉલર આસપાસ ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


સોનામાં મક્કમથી સુધારાતરફી વલણ જળવાઈ રહેવાના આશાવાદે રોકાણકારોએ વાયદામાં ગત ૬ ફેબ્રુઆરીના અંતે પૂરા થયેલા સપ્તાહે તેની લેણની પોઝિશનમાં ૧૦,૬૧૬ કોન્ટ્રાક્ટનો વધારો કર્યો હોવાનું આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે. જોકે હાલમાં ચીન, હૉંગકૉંગ, જાપાન, દક્ષિણ કોપિરયા, સિંગાપોર, તાઈવાન, વિયેટનામ અને મલયેશિયા ખાતે રજાનો માહોલ હોવાથી સોનામાં કામકાજો પાંખાં રહેવાની ધારણા સૂત્રો મૂકી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button