વેપાર અને વાણિજ્ય

રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૫૮૧નો અને ચાંદીમાં ₹ ૨૮૦નો ઘટાડો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના હાજર ભાવમાં પીછેહઠ અને વાયદામાં સાધારણ સુધારો જોવા મળતાં મિશ્ર વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હોવાના નિર્દેશો હતા. વૈશ્ર્વિક બજારનાં અહેવાલો ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે ૧૨ પૈસા મજબૂત રહ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૮થી ૫૮૧નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતા ભાવ કિલોદીઠ રૂ. ૨૮૦ ઘટી આવ્યા હતા. બકરી ઈદની જાહેર રજા પશ્ર્ચાત્ આજે ઝવેરી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ ખપપૂરતી માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૮૦ ઘટીને રૂ. ૮૭,૮૩૩ના મથાળે રહ્યા હતા. આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો મજબૂત થતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૮ ઘટીને રૂ. ૭૧,૦૦૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮૧ ઘટીને રૂ. ૭૧,૨૮૫ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ લેવાલી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની વધુ ભાવઘટાડાના આશાવાદે લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તાજેતરમાં અમેરિકા ખાતે મે મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ ધીમી ગતિએ વૃદ્ધિ થઈ હોવાના અહેવાલ ઉપરાંત પાંચ મહિનાના સમયગાળા પછી પહેલી વખત ગત મે મહિનાની આયાતમાં ઘટાડો થયો હોવાથી ફુગાવામાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા છતાં અમેરિકી ફેડરલ રિઝર્વે છેલ્લી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખવાની સાથે અગાઉ વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી તેની સામે હવે માત્ર એક જ વખત વ્યાજદરમાં કપાતનો નિર્દેશ આપતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. આમ ફેડરલ રિઝર્વ ફુગાવો અંકુશમાં લાવવા માટે આક્રમક નાણાનીતિ જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૫૦ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૦૭.૩૭ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૪ ટકા વધીને ૨૩૧૭.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ