
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને બૉન્ડની યિલ્ડમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાથી સોનામાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ આ સપ્તાહમાં અમેરિકાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોની સોનામાં લેવાલી ધીમી રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો છ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન આયાત પડતરોમાં ઘટાડો થવાથી સોના અને ચાંદીના ભાવમાં વિશ્વ બજારથી વિપરીત ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૩થી ૪૯૫ અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૫૯૯ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૯૯ ઘટીને રૂ. ૭૩,૬૭૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ રોકાણકારો સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૩ ઘટીને રૂ. ૬૧,૬૨૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૯૫ ઘટીને રૂ. ૬૧,૮૭૨ના મથાળે રહ્યા હતા.
ફેડરલ દ્વારા હળવી નાણાનીતિના સંકેતો સાથે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ૧૦ વર્ષીય અમેરિકી બૉન્ડની ઊપજમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી સોનાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર તથા યિલ્ડની નરમાઈને ટેકે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૦૨૩.૨૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૨૦૩૭.૧૦ ડૉલર આસપાસ તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે હવે ટ્રેડરોની નજર આગામી શુક્રવારે અમેરિકાનાં નવેમ્બર મહિનાના પર્સનલ કન્ઝમ્પશન સહિતનાં આર્થિક ડેટાઓ પર સ્થિર થઈ હોવાથી આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહેવાની ધારણા સૂત્રો મૂકી રહ્યા છે.