વૈશ્ર્વિક સોનું ૨૦૦૦ ડૉલરની અંદર જતાં સ્થાનિકમાં ₹ ૯૬૩નું ગાબડું, ચાંદી ₹ ૨૩૦૯ ગબડી

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના જાહેર થયેલા નવેમ્બર મહિનાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બનતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાથી સોનાના ભાવમાં કડાકો બોલાઈ ગયા બાદ આજે પણ લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં વધુ ૦.૪ ટકાનો ઘટાડો આવ્યાના નિર્દેશો હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬૦થી ૯૬૩નું ગાબડું પડ્યું હતું અને ભાવ રૂ. ૬૨,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ વિશ્ર્વ બજારના નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩૦૯નો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ રૂ. ૭૨,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૩૦૯ના કડાકા સાથે રૂ. ૭૧,૪૦૨ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને હજુ ભાવમાં વધુ ઘટાડો જોવા મળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬૦ ઘટીને રૂ. ૬૧,૨૦૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૬૩ ઘટીને રૂ. ૬૧,૪૫૨ના મથાળે રહ્યા હતા.