મુંબઈ : રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Reliance Infra)એ બુધવારે તેના દેવામાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રિલાયન્સ પાવર પણ બેંકો અને અન્ય સંસ્થાઓમાંથી દેવા મુક્ત બની છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે તેનું બ્રાહ્ય દેવું રૂપિયા 3,831 કરોડથી ઘટાડીને રૂપિયા 475 કરોડ કર્યું છે. રિલાયન્સ ઈન્ફ્રાએ જાહેરાત કરી છે કે કંપનીને ધિરાણ આપનાર ઈન્વેન્ટ એસેટ્સ સિક્યોરિટાઈઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડે તેના લેણાંની વસૂલાત માટે અમુક ચાર્જ્ડ સિક્યોરિટીઝનું નવીકરણ કર્યું છે.
આ કંપનીઓને ચૂકવણી કરવામાં આવી છે
જેમાં મળતી માહિતી મુજબ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા,(LIC) એડલવાઈસ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેંક, યુનિયન બેંક અને અન્ય ધિરાણકર્તાઓને તેના બાકી લેણાં ચૂકવી દીધા છે. કંપનીનું કહેવું છે કે બાહ્ય દેવાની જવાબદારી ઘટીને 475 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ચુકવણી પછી કંપનીની કુલ સંપત્તિ 9,041 કરોડ રૂપિયા થશે.
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દિલ્હીમાં EPC સેવાઓ, પાવર વિતરણના વ્યવસાયમાં છે. કંપની ડિફેન્સ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર જેવા કે મેટ્રો, ટોલ રોડ અને એરપોર્ટ જેવા અનેક પ્રોજેક્ટ્સના અમલીકરણ, સંચાલન અને જાળવણીમાં પણ સામેલ છે. કંપનીએ અત્યાધુનિક મુંબઈ મેટ્રો લાઈન વન પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.
રિલાયન્સ પાવર દેવા મુક્ત બની
રિલાયન્સ પાવર લિમિટેડે પણ બુધવારે જાહેરાત કરી હતી કે વિદર્ભ ઇન્ડસ્ટ્રીઝ પાવર લિમિટેડ (VIPL) દ્વારા બાંયધરી આપનાર તરીકે કંપનીની તમામ જવાબદારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જેના પરિણામે VIPLની 3872.04 કરોડની બાકી લોન ચૂકવવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે રિલાયન્સ પાવરે એસેટ રિકન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ (CFM) સાથેના તમામ વિવાદોનું સમાધાન કરી લીધું છે.
VIPLના 100 ટકા શેર રિલાયન્સ પાવર દ્વારા આપવામાં આવેલી કોર્પોરેટ ગેરંટી રિલીઝ અને ડિસ્ચાર્જ સામે CFM ની તરફેણમાં ગીરવે મૂકવામાં આવ્યા છ. રિલાયન્સ પાવર લિમિટેડ પર બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કોઈ લોન નથી.