સોનામાં ₹ ૩૫૩નો સુધારો, ચાંદીમાં ₹ ૧૪નો મામૂલી ઘટાડો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષે માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવા સંકેતોને ધ્યાનમાં લેતા તાજેતરમાં વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં બન્ને કિંમતી ધાતુઓમાં ગઈકાલના ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે પાંખાં કામકાજો વચ્ચે બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૧થી ૩૫૩નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪નો મામૂલી ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪ ઘટીને રૂ. ૮૭,૮૪૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં આંતરરાષ્ટ્રીય બજારના પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૫૧ વધીને રૂ. ૭૧,૫૭૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૫૩ વધીને રૂ. ૭૧,૮૬૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ અત્યંત પાંખી રહી હતી.
ગત મે મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં વૃદ્ધિ બજારની અપેક્ષા કરતાં ઓછી રહી હોવાના નિર્દેશ છતાં ફેડરલ રિઝર્વના મતે ફુગાવો સ્થગિત જેવો થઈ રહ્યો હોવાથી આ વર્ષે વ્યાજદરમાં માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આથી સતત બે સત્ર સુધી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ પીછેહઠ જોવા મળતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૦૫ ટકા વધીને ઔંસદીઠ ૨૩૨૭.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૧૧ ટકા વધીને ૨૩૨૫.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૬ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૨૫ ડૉલર આસપાસ રહ્યા હતા.