સોનામાં ₹ ૧૩૨નો અને ચાંદીમાં ₹ ૨૩૪નો સુધારો
મુંબઈ: અમેરકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશો છતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૧થી ૧૩૨નો સુધારો આવ્યો હતો અને ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૩૪ વધી આવ્યા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની જળવાઈ રહેલી છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૩૪ વધીને રૂ. ૭૨,૧૬૫ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવા છતાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૧ વધીને રૂ. ૬૧,૧૨૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૨ વધીને રૂ. ૬૧,૩૭૦ના મથાળે રહ્યા હતા.
ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોનામાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી હાજર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને અનુક્રમે ઔંસદીઠ ૧૯૯૬.૧૧ ડૉલર અને ૨૦૦૫.૮૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૨૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો તે પૂર્વે ગત છઠ્ઠી ઑક્ટોબરના રોજ સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૦૯.૫૦ ડૉલર આસપાસ હતા, પરંતુ ત્યાર બાદ એકતરફી સલામતી માટેની માગને ટેકે અત્યાર સુધીમાં ભાવમાં આઠ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે જે માસિક ધોરણે ગત નવેમ્બર, ૨૦૨૨ પછીનો સૌથી મોટો ઉછાળો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અત્યારે ઈઝરાયલ-હમાસ વચ્ચેનો વિવાદ વધવાની ભીતિ સપાટી પર હોવાને કારણે જ સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર આસપાસની સપાટીએ પ્રર્તી રહ્યા હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં રોકાણકારોની નજર બુધવારે મોડી સાંજે આવનાર ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય અને શુક્રવારે જાહેર થનારા માસિક જોબ ડેટા પર સ્થિર થઈ હોવાથી સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે.