ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉન સાથે 51 પૈસા ગબડતાં સોનામાં રૂ. 391નો અને ચાંદીમાં રૂ. 293નો સુધારો...

ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉન સાથે 51 પૈસા ગબડતાં સોનામાં રૂ. 391નો અને ચાંદીમાં રૂ. 293નો સુધારો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આજે મોડી સાંજે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન ખાતે ખાસ કરીને સોનામાં સાવચેતીના અભિગમ વચ્ચે હાજર અને વાયદામાં ભાવ ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં સાધારણ પીછેહઠ જોવા મળી હતી.

જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 51 પૈસા ગબડીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાની આયાત પડતરો વધવાથી વિશ્વ બજારથી વિપરીત ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 390થી 391નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 293 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ છૂટીછવાઈ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 293ના સુધારા સાથે રૂ. 1,13,600ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવા છતાં ડૉલર સામે રૂપિયામાં ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાતા વધુ 51 પૈસા ખાબક્યો હોવાથી આયાત પડતરો વધવાથી વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 390 વધીને રૂ. 98,292 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 391 વધીને રૂ. 98,687ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગમાં શુષ્ક વલણ જળવાઈ રહ્યું હતું.

અમેરિકી ફેડરલ રિઝર્વની આજની બેઠકનાં નિર્ણય પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ આસપાસ અનુક્રમે આૈંસદીઠ 3324.46 ડૉલર અને 3321.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 38.09 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આજે અમેરિકી 10 વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં જોવા મળેલા નરમાઈના વલણ અને ડૉલર ઈન્ડેક્સના સાધારણ ઘટાડાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વનો ઝુકાવ હળવી નાણાનીતિ તરફ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં ઓએએનડીએનાં એનાલિસ્ટ કેલ્વિન વૉન્ગે વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે આજે ડૉલર ઈન્ડેક્સ એક મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો. તેમ જ ટ્રેઝરીની યિલ્ડ પણ એક મહિનાની નીચી સપાટી આસપાસ પહોંચી હતી.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ સતત વ્યાજદરમાં ઘટાડા માટે ફેડરલ રિઝર્વ પર દબાણ લાવી રહ્યા હોવા છતાં આજે બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ જ વ્યાજદરમાં કપાતનો આરંભ સપ્ટેમ્બરમાં થાય તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. સામાન્યપણે નીચા વ્યાજદરના સંજોગોમાં સોનામાં માગ રહેતી હોય છે.

અમેરિકાના ફુગાવા અને રોજગારીનાં ડેટાને ધ્યાનમાં લેતા જો સપ્તાહના અંતે સોનાના ભાવ આૈંસદીઠ 3350 ડૉલર સુધી પહોંચે તો આગામી ટૂંકા સમયગાળામાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા વૉન્ગે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગઈકાલે અમેરિકા અને ચીનના અધિકારીઓ બે દિવસની વાટાઘાટના અંતે 12મી ઑગસ્ટના રોજ પૂરી થતી ટૅરિફ વૉરની મુદ્દતને 90 દિવસ સુધી લંબાવવા માટે સહમત થયા હતા, પરંતુ અંતિમ નિર્ણય ટ્રમ્પ પર છોડવામાં આવ્યો હતો.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
Back to top button