નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં ફરી નિષ્ફળ છતાં, સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચ્યો
મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં ફરી નિષ્ફળ રહ્યો છતાં, સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સપ્તાહના પહેલા દિવસની જેમ મંગળવારે પણ સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટી નજીક પહોંચ્યા હતા, જેમાં નિફ્ટી ફરી ૨૫,૦૦૦ની અત્યંત લગોલગ પહોચ્યો હતો, પરંતુ ફરી જોરદાર પ્રોફિટ બુકિંગ શરૂ થતાં બંને બેન્ચમાર્ક અત્યંત મામૂલી સુધારા સાથે મૂળ સપાટીથી થોડા ઊંચે સ્થિર થયાં હતાં. સેન્સેક્સ ૯૯.૫૬ પોઇન્ટ વધીને ૮૧,૪૫૫.૪૦ પોઇન્ટની અને નિફ્ટી ૨૧.૨૦ પોઇન્ટના સુધારા સાથે ૨૪,૮૫૭.૩૦ની ઓલટાઇમ હાઇ સપાટીએ સ્થિર થયો હતો. ભારે અફડાતફડી છતાં બીએસઇનું માર્કેટ કેપિચટલ ૫.૫૦ ટ્રિલિયન ડોલરને પહેલી જ વાર વટાવી ગયું છે.
ટાટા મોટર્સ, એનટીપીસી, બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ કોર્પ, ટાઇટન, એશિયન પેઇન્ટ, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ સુઝુકી અને ટાટા સ્ટીલ ટોપ ગેઇનર બન્યા હતા. જ્યારે સૌથી વધુ ઘટનારા શેરોમાં સન ફાર્માસ્યુટિકલ્સ, આઇટીસી, હિંદુસ્તાન યુનિલીવર, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને રિલાયન્સનો સમાવેશ હતો. આ સપ્તાહે ૪૯૦ કંપની નાણાકીય પરિણામ જાહેર કરી રહી છે. કોલગેટ પામોલીવે પ્રથમ ક્વાર્ટરમાં ૩૩ ટકાના વધારા સાથે રૂ. ૩૬૩.૯૮ કરોડ નોંધાયો હતો, જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. ૨૭૩.૬૮ કરોડ હતો. વેચાણ ગયા વર્ષના રૂ. ૧૩૧૪.૭૩ કરોડ સામે ૧૩ ટકા વધીને રૂ. ૧૫૮૫.૭૬ કરોડની સપાટીએ પહોંચ્યું હતું.
શેર ઇન્ડિયા સિક્યુરિટીઝ લિમિટેડે ૨૦૨૫ના પ્રથમ ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ધોરણે ૫૮.૬૫ ટકાના વધારા સાથે રૂ. ૩૩૧.૨૪ કરોડની રેવન્યૂ અને ૪૨.૫૮ ટકાના વધારા સાથે રૂ. ૭૨.૮૨ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ ૩૫.૧૬ ટકાના વધારા સાથે રૂ. ૧૧૧.૫૧ કરોડનો એબિટા નોંધાવવા સાથે શેરદીઠ રૂ. ૦.૪૦ના ડિવિડંડની જાહેરાત કરી છે. રેકોર્ડ ડેટ બીજી ઓગસ્ટ છે.
સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોની વિવિધ શ્રેણીના અગ્રણી ઉત્પાદક, નિકાસકાર અને સપ્લાયર પૈકીની એક કંપની શાહ મેટાકોર્પ લિમિટેડ પ્રથમ ક્વાર્ટરના અનઓડિટેડ નાણાકીય પરિણામો હેઠળ ૧૪૦.૭૦ ટકાના વધારા સાથે રૂ. ૪૬.૩૨ કરોડની આવક અને ૧૭૬૧.૬૮ ટકાના વધારા સાથે રૂ. ૨૩.૩૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.
બેસિલિક ફ્લાય સ્ટુડિયો લિમિટેડે (બીએસએફ)એ બાફટા અને એમી-વિનિંગ લંડન વીએફએક્સ સ્ટુડિયોમાં બહુમતી હિસ્સેદારીના એક્વિઝિશન સાથે વૈશ્ર્વિક હાજરી વધારી છે. અગ્રણી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (વીએફએક્સ) સ્ટુડિયોમાંની એક એવી આ કંપનીએ પ્રીમિયર લંડન અને પેરિસ સ્થિત વીએફએક્સ સ્ટુડિયો, વન ઓફ યુએસમાં ૭૦ ટકા હિસ્સાનું વ્યૂહાત્મક એક્વિઝિશન કર્યું હોવાની જાહેરાત કરી છે.