વિશ્વ બજાર પાછળ લીડ સિવાયની તમામ ધાતુઓમાં પીછેહઠ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરનો પુરવઠો હળવો થવાની શક્યતા સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના ભાવ બે વર્ષની ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં પણ ભાવઘટાડો આવ્યો હોવાનાં નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ૨૨ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
કોપરનું ખનન કરતી અમેરિકી કંપની ફ્રી પોર્ટ તેની ઈન્ડોનેશિયા ખાતેની ગ્રેસબર્ગ ખાણમાંથી નવ લાખ ટન કોપર કોન્સન્ટ્રેટનું શિપમેન્ટ કરશે એવા અહેવાલો વહેતાં થતાં કોપરની તંગ પુરવઠા સ્થિતિમાં સુધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે કોપરનાં ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકાના ઘટાડા સાથે ટનદીઠ ૯૯૭૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓનાં ભાવમાં પણ ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ લીડ સિવાયની તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. આજે હાજરમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૨૨ ઘટીને રૂ. ૧૬૦૮, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૫ ઘટીને રૂ. ૮૭૬, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને અનુક્રમે રૂ. ૮૪૮, રૂ. ૮૩૮ અને રૂ. ૨૯૭૩, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. ૫૩૩, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. છ ઘટીને રૂ. ૭૬૭, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૮૨૫ મથાળે રહ્યા હતા.