પૉવૅલની ટેસ્ટીમની પૂર્વે વૈશ્ર્વિક સોનામાં મક્ક્મ સ્થાનિક સોનામાં ₹ ૧૦૫ની અને ચાંદીમાં ₹ ૫૩૪ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્ષ ૨૦૨૪ના મધ્યથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ૨૧૪૧.૫૯ની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નરમાઈ જોવા મળી હતી, જ્યારે આજે રોકાણકારોની નજર આવતી કાલના અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. જોકે સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને અવગણીને ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણને કારણે ભાવમાં કિલોદીઠ રૂ. ૫૩૪ની પીછેહઠ જોવા મળી હતી અને સોનામાં ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪થી ૧૦૫નો ઘસરકો જોવા મળ્યો હતો.
ગઈકાલે .૯૯૯ ટચ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪૬૭નો ઉછાળો આવ્યા બાદ આજે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૩૪ના ઘટાડા સાથે રૂ. ૭૧,૭૧૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની લેવાલી પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪ના ઘટાડા સાથે રૂ. ૬૪,૨૩૫ અને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૦૫ના ઘટાડા સાથે રૂ. ૬૪,૪૯૩ના મથાળે રહ્યા હતા.
તાજેતરનાં અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવવાની સાથે ફુગાવામાં પણ ઘટાડો જોવા મળ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪ના મધ્યથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા વચ્ચે સોનામાં તેજીનો અન્ડરટોન જોવા મળ્યો છે અને ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૧૪૧.૫૯ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં આવતીકાલના વક્તવ્ય પર સ્થિર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ ઔંસદીઠ ૨૧૨૬.૭૫ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૨૧૩૫.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.