વેપાર

ફેડરલની મિનિટ્સમાં આક્રમક નાણાનીતિના અણસાર: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૨૫૪નું અને ચાંદીમાં ₹ ૨૮૩૧નું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે ફેડરલ રિઝર્વની જાહેર થયેલી નીતિવિષયક બેઠકમાં અમુક અધિકારીઓ જ વ્યાજદરમાં કાપ મૂકવાનું વલણ ધરાવતા હોવાનું જણાતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૦.૫ ટકાનો અને વાયદાના ભાવ ૧.૪ ટકા ઘટીને તથા ચાંદીના ભાવ ૦.૬ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૪૯થી ૧૨૫૪નો ઘટીને રૂ. ૭૩,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૮૩૧ના કડાકા સાથે રૂ. ૯૧,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા.

આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૮૩૧ ગબડીને રૂ. ૯૦,૦૫૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૪૯ના ગાબડા સાથે રૂ. ૭૨,૫૩૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૫૪ તૂટીને રૂ. ૭૨,૮૨૬ના મથાળે રહ્યા હતા.

દરમિયાન ગઈકાલે ફેડરલની મિનિટ્સની જાહેરાત બાદ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને ગત ૧૫ મે પછીની નીચી ઔંસદીઠ ૨૩૫૪.૭૯ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટડો આવ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૬૭.૫૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭૫ ટકા ઘટીને ૨૩૭૧.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૩૦.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકવા અંગે ચર્ચા થઈ હોવાનો નિર્દેશ આપવાની સાથે સાથે વ્યાજદરમાં કપાત હજુ દૂર હોવાનો પણ રોકાણકારોને અણસાર આપ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે જો ડૉલર ઈન્ડેક્સમાં આગેકૂચ જળવાઈ રહે તો વૈશ્ર્વિક સોનાના ભાવને ઔંસદીઠ ૨૩૫૫ ડૉલર આસપાસની સપાટીએ ટેકો મળશે. જોકે, મધ્યમથી લાંબા સમયગાળે સોનામાં તેજીનો અન્ડરટોન રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. જોકે, હવે નવેમ્બરમાં વ્યાજદરમાં કપાતની ૭૩ ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button