સતત ત્રણ સત્રની આગેકૂચ બાદ ત્રણ સત્રનાં સપ્તાહમાં શૅરબજારની ચાલનો આધાર વિદેશી ફંડોના વલણ પર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઈ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા ડોવિશ સ્ટાન્સના સંકેત બાદ શેરબજારમાં પાછલા સતત ત્રણ સત્રમાં તેજીવાળાઓ હાવી રહ્યાં હતા, જોકે આ માત્ર ત્રણ સત્રના સપ્તાહમાં માસિક એક્સપાઇરી પણ આવતી હોવાથી અફડાતફડી અને ઊથલપાથલ જારી રહેવાની સંભાવના છે. આ જ સાથે બજારની નજર ખાસ કરીને વિદેશી ફંડો પર રહેશે. પીઢ અભ્યાસુઓ માને છે કે ફેડરલના બદલાયેલા વલણ સાથે એફઆઇઆઇનું વલણ પણ બદલાયું છે અને જો આ વર્ગની લેવાલી ચાલુ રહેશે તો નિફ્ટીને આગેકૂચ કરવામાં સરળતા રહેશે.
તાજું ફ્લેશબેક જોઇએ તો ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ દરમાં કાપના સંકેત આપ્યા બાદ યુએસ બજારોમાં રેકોર્ડ રેલીને પગલે ઇન્ડેક્સની મુખ્ય હેવીવેઇટ કંપનીઓમાં આવેલા ઉછાળાને કારણે બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં સફળ રહ્યાં હતા. જોકે, એ પણ નોંધવું રહ્યું કે, બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૩,૦૦૦ની સપાટી પાર કરવામાં સફળ રહ્યો નહોતો.
અમેરિકાની કેન્દ્રીય બેન્ક, ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતને લગતા વલણના અકંબધ રાખવાના સંકેત સાથે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને મળેલા અમેરિકન કરંટને કારણે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં સુધારાનો સળવળાટ શરૂ થયો છે. વૈશ્ર્વિક શેરબજારોમાં મજબૂત તેજીનો પવન ફૂંકાવાથી પણ સ્થાનિક બજારના સેન્ટિમેન્ટને ટેકો મળી
રહ્યો છે.
એક તરફ સેબીની ચેતવણી અને ફંડોની સ્ટ્રેસ ટેસ્ટ બાદ રિડેમ્પશનના દબાણને કારણે નાના શેરોમાં વેચવાલી વધતી રહેવાની શક્યતા વચ્ચે મિડ અને સ્મોલકેપ શેરઆંકો પર દબાણ રહેવાની સંભાવનાની ચર્ચા વચ્ચે પાછલા સપ્તાહ દરમિયાન કેટલાક સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા
મળ્યો હતો.
આ સપ્તાહે સ્થાનિક બજારની ચાલનો આધાર વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના વલણો અને ટૂંકા સપ્તાહ દરમિયાન વિદેશી રોકાણકારોની ટ્રેડિંગ પ્રવૃત્તિ પર રહેશે. ઉપરાંત ગુરુવારે ચાલુ મહિનાના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના માસિક વલણની સમાપ્તિ વચ્ચે મુખ્ય ઇક્વિટી બેન્ચમાર્કમાં અસ્થિરતા રહેવાની સંભાવના છે.
આ સપ્તાહે બજારોમાં માત્ર ત્રણ ટ્રેડિંગ સેશન હશે. સોમવારે હોળી અને શુક્રવારે ગુડ ફ્રાઈડે નિમિત્તેે ઈક્વિટી બજારો બંધ રહેશે.
જાણીતા બજાર વિશ્ર્લેષકે કહ્યું હતું કે, હોળી માટે સોમવાર અને ગુડ ફ્રાઈડે માટે શુક્રવાર એમ બંને દિવસે બજાર બંધ હોવાને કારણે આ અઠવાડિયું ટૂંકું રહેશે. પરિણામે, મર્યાદિત બજાર સંકેતો સાથે ટ્રેડિંગ વોલ્યુમ નીચું હોઈ શકે છે. જો કે, નાણાકીય વર્ષના અંતિમ સપ્તાહમાં એફએન્ડઓ સેગમેન્ટમાં માર્ચના વલણની સમાપ્તિ નજીક હોવાથી વોલેટિલિટી વધવાની શક્યતા રહે છે.
પાછલા અઠવાડિયે, બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૧૮૮.૫૧ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા આગળ વધ્યોે હતો, જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૭૩.૪ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકા આગળ વધ્યો હતો.
એક ટોચની સ્ટોક બ્રોકિંગ કંપનીના રિટેલ રિસર્ચ હેડે કહ્યું હતું કે, આ અઠવાડિયું ખૂબ જ ટૂંકું છે અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના વલણની માસિક સમાપ્તિ પણ છે તે જોતાં બજારમાં અસ્થિરતા વધી શકે છે, પરંતુ એ જ સાથેે નિફ્ટી ઊંચા સ્તરે મજબૂત થવાની સંભાવના છે. ઉપરાંત, યુએસ જીડીપી ડેટા અને અન્ય મુખ્ય આર્થિક ડેટા પર રોકાણકારોની નજર રહેશે.
એ જ સાથે ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ અને રૂપિયા-ડોલરના વલણમાં મૂવમેન્ટ પણ રોકાણકારો દ્વારા જોવામાં આવશે. રૂપિયો શુક્રવારે ૪૮ પૈસા ઘટીને અમેરિકન ચલણ સામે ૮૩.૬૧ પોઇન્ટની સર્વકાલીન નીચી સપાટીએ સ્થિર થયો હતો. રૂપિયો અગાઉ ૧૩ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ તેના ૮૩.૪૦ના સૌથી નીચા બંધ સ્તરે બંધ થયો હતો.
અન્ય માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચલણના સ્તરમાં તીવ્ર ઘટાડા સાથે શેરનું વેચાણ કરી રહ્યા છે, તે સંકેત આપે છે કે ઇક્વિટી બજારો માટે આગળનો માર્ગ ઉબડખાબડ બની શકે છે. આ ટૂંકા, ડેરિવેટિવ્ઝની એક્સપાઇરીવાળા અને નાણાં વર્ષના અંતમિ સપ્તાહે વોલેટિલિટી ઊંચી રહેવાની અપેક્ષા છે. આ ઉપરાંત, સહભાગીઓ વશ્ર્વિક સૂચકાંકો, ખાસ કરીને મજબૂતીથી આગળ વધી રહેલા અમેરિકન બજારોેના સંકેતો લેવાનું ચાલુ રાખશે.
અગ્રણી એએમસીના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ વ્યાજ દરમાં કાપ મૂકવાનો સંકેત આપ્યો હોવાથી સ્થાનિક બજાર વૈશ્ર્વિક બજારના આશાવાદને પ્રતિસાદ આપી રહ્યું છે. બજારના અગ્રણી ચાર્ટ નિષ્ણાતે કહ્યું હતું કે, અમેરિકામાં વ્યાજ દરો સ્થિર રહેવા સાથે વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં જોવા મળેલા સુધારા સાથે સ્થાનિક અર્થતંત્રની મજબૂતી જોતાં નિફ્ટીના તાત્કાલિક લક્ષ્યાંકો ૨૨,૦૦૦ અને ૨૨,૫૨૭ પોઇન્ટનું સ્તર છે, જ્યારે નકારાત્મક જોખમો મર્યાદિત છે.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, શેરબજારમાં વૈશ્ર્વિક પરિબળો સાથે સ્થાનિક સ્તરે ઇલેક્શનની જાહેરાતને પગલે સાવચેતીના માહોલ વચ્ચે ઉથલપાથલ અને અફડાતફડીનો દોર જારી રહેવાની સંભાવના છે. હાલ ઉછાળે વેચવાલી અને ઘટાડે લેવાલીનો તાલ જોવા મળે છે, એટલે ચોક્કસ ટ્રેન્ડ પકડાતો નથી. બજારના સાધનો અનુસાર રોકાણકારોનું ધ્યાન આગામી લોકસભાની ચૂંટણીઓ તરફ પણ જઈ રહ્યું છે, જે ૧૯ એપ્રિલે શરૂ થશે અને ચોથી જૂને પૂર્ણ થશે. અગ્રણી ટેકનિકલ એનાલિસ્ટ કહે છે કે, નિફ્ટી માટે તાત્કાલિક પ્રતિકાર સપાટી ૨૨,૨૫૦ પોઇન્ટના સ્તર પર છે. પ્રવર્તમાન અનિશ્ર્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેત રહેવું
આવશ્યક છે.