રિઝર્વ બૅન્કના આદેશ બાદ બજાજ ફાઇનાન્સના શૅરમાં ભારે અફડાતફડી
નિલેશ વાઘેલા
મુંબઈ: રિઝર્વ બેન્કના આદેશ બાદ બજાજ ફાઇનાન્સના શેરમાં ભારે અફડાતફડી અને ધમાલ ચાલી રહી છે. ગુરૂવારે ભારતની સૌથી મોટી એનબીએફસી, બજાજ ફાઇનાન્સના શેરમાં સવારના સત્રમાં ચારેક ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ પાછળથી આ કડાકો રિકવર થઈ ગયો હતો. રિઝર્વ બેન્કના આદેશને કારણે રોકાણકારોના માનસ પર સેન્ટિમેન્ટલ અસર થઇ હોવાથી વેચવલી વધતા શેરના ભાવ ઝડપથી નીચે સરકી ગયા હતાં, જોકે આ અસર કામચલાઉ હોવાનું જાહેર કરવા સાથે પ્રતિબંધ કાયમી ના હોવાની ચર્ચા વચ્ચે ફરી લેવાલીનો ટેકો મળતા શેર ફરી મૂલ સપાટીએ પાછો ફર્યો હતો. જોકે ઊંચી સપાટી સામે ફરી બે ટકા ગબડ્યો હતો. આ શેર રૂ. ૭,૨૨૪.૩૦ના પાછલા બંધ સામે રૂ. ૬,૯૩૧.૨૫ની નીચી સપાટીને અથડાયા બાદ રૂ. ૭,૩૭૭.૬૦ સુધી ઊંચે ઉછળી ફરી ગબડ્યો હતો. સત્રને અંતે આ શેર પાછલા બંધ સામે ૧.૯૬ ટકાના ઘટાડા સાથે રૂ. ૭,૩૬૫.૮૫ની સપાટીએ બંધ થયોે છે. કંપનીને તેની બે ડેટ પ્રોડક્ટ, ઇ-કોમ અને ઇન્સ્ટા ઇએમઆઇ કાર્ડ હેઠળ લોન મંજૂર અને વિતરણ બંધ કરવાના રિઝર્વ બેન્કેે આપેલા નિર્દેશની રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.
સવારે બીએસઈ પર બજાજ ફાઇનાન્સનો શેર ચારેક ટકા તૂટીને રૂ. ૬,૯૪૭ પર દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં યુ-ટર્ન લઈ ૦.૪ ટકા ઊંચી સપાટીએ પાછો ફર્યો હતો. હોલ્ડિંગ કંપની બજાજ ફિનસર્વના કાઉન્ટર પર પણ તેની રબ-ઓફ અસર જોવા મળી હતી.