
મુંબઈ: વૈશ્ર્વિક બજારોના નબળા સંકેત અને વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે સેન્સેક્સે મંગળવારે ૧૦૦૦ પોઇન્ટનો કડાકો બોલાવ્યો હતો અને નિફ્ટી પણ ૨૪,૫૦૦ની અંદર ધુસી ગયો છે. ઈંચા વેલ્યુએશન્સ, એફઆઇઆઇની એકધારી વેચવાલી ઉપરાંત અત્યાર સુધીના સૌથી મોટા એવા હ્યુન્ડાઇના આઇપીઓના ધબડકાને કારણે બજારનું માસ ખરડાયું હતું.
મૂડીબજારોમાંથી મોટાપાયે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને આંતરરાષ્ટ્રીય ઇક્વિટી બજારોના નરમ હવામાન વચ્ચે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે એક ટકાથી વધુ તૂટ્યા હતા. આ ઉપરાંત, કોર્પોરેટ ક્ષેત્રના નબળા નાણાકીય પરિણામોને કારણે પણ બજારના સેન્ટિમેન્ટને ધક્કો પહોંચ્યો હોવાનું બજારના સાધનોએ જણાવ્યું હતું. મંગળવારના સત્રમાં સેન્સેક્સ ૯૩૦.૫૫ પોઈન્ટ અથવા ૧.૧૫ ટકાના કડાકા સાથે ૮૦,૨૨૦.૭૨ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૧,૦૦૧.૭૪ પોઈન્ટ અથવા ૧.૨૩ ટકા ઘટીને ૮૦,૧૪૯.૫૩ પોઇન્ટની નીચી સપાટીને અથડાયોે હતો. જ્યારે નિફ્ટી ૩૦૯ પોઈન્ટ અથવા ૧.૨૫ ટકા ઘટીને ૨૪,૪૭૨.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના ત્રીસ શેરમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, બજાજ ફાઈનાન્સ અને રિલાયન્સ સૌથી વધુ ગબડનારા શેરોની યાદીમાં હતાં. તેનાથી વિપરીત, આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે અને ઈન્ફોસીસ ટોપ ગેઇનર શેરોની યાદીમાં હતા. દક્ષિણ કોરિયાની ઓટોમેકર હ્યુન્ડાઈની ભારતીય શાખા હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડના શેરે મંગળવારે ૧.૫ ટકાના ડિસ્કાઉન્ટ સાથે બજારમાં લિસ્ટિંગ મેળવ્યું હતું અને અંતે તે રૂ. ૧,૯૬૦ની ઈશ્યૂ કિંમત સામે સાત ટકાથી વધુ નીચા મથાળે સ્થિર થયો હતો. પાવરગ્રીડે રાજસ્થાનમાં બે ટ્રાન્સમિશન ઓર્ડર મેળવ્યાં છે. સોનાટા સોફ્ટવેરે એઆઇ પાવર્ડ મેનેજ્ડ સર્વિસ કોન્ટ્રેકટ મેળવ્યા છે. ફાર્મા ક્ષેત્રની હિમાલયા વેલનેસે હૂપર બેન્ડ સોલ્યુશનની ભાગીદારીમાં જરા મુસ્ક્ુરાદે નામે વિડિયો કેમ્પેઇન લોન્ચ કર્યું છે અને કંપની સીએસઆરના ભાગરૂપે તેની પ્રત્યેક લીપ બામના વેચાણ સામે ગ્લોબલ ચેરેટીમાં અમુક હિસ્સો ડોનેટ કરશે. રાજસ્થાન સરકારે યુએઇ સાથે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂ. ત્રણ લાખ કરોડના કરાર કર્યા છે.
આ સપ્તાહમાં ચાલુ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝનને કારણે બજાર સતત શેરલક્ષી કામકાજ સાથે કોન્સોલિડેશન મોડમાં રહેવાની ધારણા છે, પરંતુ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્પેસમાંથી ટેકો મળી શકે છે. અમેરિકાની ચૂંટણી પહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને સોનાના ભાવમાં હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. બજારનું ફોકસ કૃષિ ક્ષેત્ર, પાવર, ડીજીટલ, ઇન્ફ્રા અને એફએમસીજી જેવા સેકટર પર રહેવાની ધારણાં છે.
વિદેશી ફંડોેએ ઓકટોબરમાં દસ અબજ ડોલરના શેર ઠાલવીને એક નવો વિક્રમી આંકડો સ્થાપ્યો છે. ઑક્ટોબરના તમામ દિવસોમાં વિદેશી સંસ્થાકીય ફંડ (એફઆઇઆઇ) ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા, જેમણે કેશ સેગમેન્ટમાં રૂ. ૮૧,૦૦૦ કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ સમાન ગાળામાં રૂ. ૭૫,૦૦૦ કરોડથી વધુના શેરની ખરીદી કરી હતી.
બજાર માટે મોટાભાગના અસરકર્તા પરિબળો ડિસ્કાઉન્ટ થઇ ગયા છે, પછી તે ઇઝરાયલ અને ઇરાનના અણુ યુદ્ધનો ભય હોય કે વિશ્ર્વના સેન્ટ્રલ બેન્કોના સ્ટાન્સ અને નીતિ નિર્ણયો અથવા ક્રૂડ ઓઇલ સંદર્ભે ઓપેક દેશના નિર્ણયો! અલબત્ત કોઇ નવી અને મોટી ઘટના બનશે તો તેની અસર અવશ્ય વર્તાશે પરંતુ અત્યારે તો સટોડિયાઓએ તમામ સંભાવના સ્વીકારી લીધી હોય એવું લાગે છે. અમેરિકન બજારો નવી વિક્રમી ઉંચી સપાટી બનાવી રહ્યા છે ત્યારે વૈશ્ર્વિક શેરબજારની તેજી અકબંધ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલમાં સતત ઘટાડો અને યુએસ બોન્ડમાં સ્થિરતા પશ્ર્ચિમ એશિયાઇ દેશોમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે તણાવગ્રસ્ત પરિસ્થિતિ હોવા છતાં શેરબજારે સ્થિતિસ્થાપકતા જાળવી છે.
કોર્પોરેટ ક્ષેત્રના બીજા ત્રિમાસિક સમયગાળાના પરિણામ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોના વલણ અને વેચવાલી, મેન્યુફેકચરર્સ પીએમઆઇના ડેટા સહિતના પરિબળો, ક્રૂડના ભાવની વધઘટ, ફોરેક્સ માર્કેટમાં ડોલર અને રૂપિયાની સ્થિતિ વગેરે બાબતો બજારના માનસ પર સત્ર પૂરતી અસર બતાવશે. ટૂંકમાં કંપની પરિણામો પર નજર સાથે બજારમાં શેરલક્ષી કામકાજ અને કોન્સોલિડેશન જોવા મળશે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે રૂ. ૨,૨૬૧.૮૩ કરોડની ઇક્વિટીઓ ઑફલોડ કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ એક્સચેન્જ ડેટા અનુસાર રૂ. ૩,૨૨૫.૯૧ કરોડની ઇક્વિટી ખરીદી હતી. એશિયન બજારોમાં, સિઓલ અને ટોક્યિો નીચા મથાળે સ્થિર થયા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યા હતા. યુરોપિયન બજારો નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે અમેરિકાની બજારોનો અંત મિશ્રિત ટોન સાથે થયો હતો.
ગ્લોબલ ઓઇેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૧ ટકા વધીને ૭૪.૭૪ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. સોમવારે બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ ૭૩.૪૮ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા ઘટીને ૮૧,૧૫૧.૨૭ના સ્તર પર સેટલ થયો હતો. નિફ્ટી ૭૨.૯૫ પોઈન્ટ અથવા ૦.૨૯ ટકા ઘટીને ૨૪,૭૮૧.૧૦ પોઇન્ટની સપાટી પર આવી ગયો હતો.