ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ કપાતના આશાવાદે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં આગળ ધપતી તેજી સામે માગમાં જળવાતી પીછેહઠ
રોકાણકારોની નવી લેવાલી અટકી, જૂના સોનાના કોઈન અને લગડીમાં વધેલું વેચવાલીનું દબાણ
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખવાની સાથે સાથે તંગ નાણાનીતિથી દૂર રહીને હવે હળવી નાણાનીતિ અપનાવવાના સંકેતો આપતાં ગત સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળી હોવાથી એકંદરે સોનાના ભાવમાં તેજી આગળ ધપી હતી. વધુમાં ગત સપ્તાહના અંતે જાહેર થયેલા અમેરિકાના નવેમ્બર મહિનાનો આંક ઘટીને ત્રણ ટકાની નીચે રહ્યો હોવાના તેમ જ ગત સપ્તાહે બેરોજગારીના આંકમાં સાધારણ વધારો થયો હોવા છતાં એકંદરે બેરોજગારી ઐતિહાસિક નીચી સપાટીએ રહી હોવાથી ડૉલર નબળો પડતાં સોનામાં તેજીનું વલણ જળવાઈ રહેતા ન્યૂ યોર્ક ખાતે સપ્તાહના અંતે ભાવમાં ૦.૪ ટકાનો સુધારો આગળ વધ્યો હતો અને સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧.૭ ટકા આસપાસની વૃદ્ધિ નોંધાઈ હતી. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં તેજીનો વક્કર જળવાઈ હતો. જોકે, વધ્યા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી લેવાલી ઠપ્પ થઈ જવાની સાથે સાથે સોનાના કોઈન અને લગડી અથવા તો બારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૧૫ ડિસેમ્બરનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૩૬૭ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. ૬૧,૮૭૨ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. ૬૧,૮૭૨ની સપાટી અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. ૬૨,૮૪૪ના મથાળે બંધ રહ્યા હતા. આમ સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૭નો અથવા તો ૦.૭૬ ટકાનો સુધારો નોંધાયો હતો. મુંબઈ સ્થિત એક અગ્રણી હોલસેલરે જણાવ્યું હતું કે સાનોમાં તેજીના વલણને કારણે રિટેલ સ્તરની માગ એકદમ તળીયે બેસી ગઈ છે. રોકાણકારોની ખરીદીને બદલે સોનાના સિક્કાઓ (કોઈન) અને લગડી (ગોલ્ડ બાર)માં વેચવાલી જોવા મળી રહી છે. આમ એકંદરે માગ શુષ્ક રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૪ ટકા જેટલા ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ નવ ડૉલર આસપાસ રહ્યા હતા અને હાલની ડિસ્કાઉન્ટની આ સપાટી સાત મહિનાની ઊંચી સપાટી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત સપ્તાહે અમેરિકાનાં જાહેર થયેલા ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીનાં ડેટામાં અગાઉના ડિસેમ્બર અંતનાં ત્રિમાસિકગાળાની સરખામણીમાં આકર્ષક વૃદ્ધિ જોવા નહોંતી મળી આથી ટ્રેડરોમાં આગામી વર્ષ ૨૦૨૪થી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બની હતી અને અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં વૈશ્ર્વિક સોનામાં સતત બીજા સપ્તાહમાં તેજીનો કરંટ જળવાઈ રહ્યો હતો. વધુમાં ડિસેમ્બર મહિનાનો ફિલાડેલ્ફિયા ફેડ મેન્યુફેક્ચરિંગ પ્રાઈસ ઈન્ડેક્સ પણ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ રહેવાની સાથે નવેમ્બર મહિનાના ફુગાવામાં પણ ઘટાડો થવાથી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડ ગત જુલાઈ પછીની નીચી સપાટીએ પહોંચી હતી અને ડૉલર ઈન્ડેક્સ પણ ઘટી આવતા સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૮૩ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૯૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૦૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ સપ્તાહ દરમિયાન ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૫૦૦થી ૬૩,૪૦૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બૅન્ક ઑફ જાપાને અત્યંત હળવી નાણાનીતિ જાળવી રાખી હતી. તેમ જ પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાએ બૅન્ચમાર્ક દર યથાવત્ રાખ્યાના અહેવાલ હતા. દરમિયાન ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકામાં નવેમ્બર મહિનાનો ફુગાવો ત્રણ ટકા કરતાં નીચી સપાટીએ રહ્યો હોવાના અહેવાલ પશ્ર્ચાત્ ડૉલર તથા ટ્રેઝરીની યિલ્ડની પીછેહઠ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ૦.૪ ટકા વધીને ૨૦૫૨.૬૯ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૯ ટકા વધીને ૨૦૬૯.૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ન્યૂ યોર્ક સ્થિત એક સ્વતંત્ર ટ્રેડર તાઈ વૉન્ગે જણાવ્યું હતું કે ફુગાવાની જાહેરાત બાદ બજાર વર્તુળોમાં માર્ચ મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા પ્રબળ બની હોવાનું તેમણે ઉમેર્યું હતું. આગામી દિવસોમાં સોનાને નબળા ડૉલર અને યિલ્ડમાં ઘટાડાનો ટેકો મળતો રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં શિકાગો સ્થિત બ્લ્યુ લાઈન ફ્યુચર્સનાં ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ ફિલિપ સ્ટ્રીબલે ઉમેર્યું હતું કે ટૅક્નિકલ દૃષ્ટિએ હાલમાં ભાવ ઔંસદીઠ ૨૧૦૦ ડૉલર સુધી વધે તેવી શક્યતા છે.