મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦નો ઉછાળો, આયાતી તેલમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટિવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૨૨ રિંગિટનો ઘટાડો આવ્યો હોવા છતાં ગત શુક્રવારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં ૧૯૮ સેન્ટનો ચમકારો આવી ગયાના નિર્દેશો સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં ઉછાળા જોવા મળ્યા હતા, જેમાં ૧૦ કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. ૩૫, સોયા રિફાઈન્ડમાં રૂ. ૨૫ અને સન રિફાઈન્ડમાં રૂ. ૨૦ વધી આવ્યા હતા.
વધુમાં આજે સૌરાષ્ટ્રના મથકો પર દેશી તેલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં ખાસ કરીને સિંગતેલમાં તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૨૦ અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હોવાથી સ્થાનિકમાં ૧૦ કિલોદીઠ સિંગતેલ અને સરસવમાં રૂ. ૨૦નો અને કપાસિયા રિફાઈન્ડમાં રૂ. ૩૦નો સુધારો જોવા મળ્યો હતો.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે રિલાયન્સ રિટેલ અને ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના ભાવ અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૦૫ અને રૂ. ૧૪૧૦, લિબર્ટીના સનફ્લાવરના રૂ. ૧૪૩૦ અને રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૧૩૯૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૮૦ અને સન રિફાઈન્ડના રૂ. ૧૪૨૫ ક્વૉટ થઈ રહ્યા હતા.જેકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે વેપાર પાંખાં રહ્યાં હતાં.
દરમિયાન આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી તેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૪૧૫, સોયા રિફાઈન્ડના રૂ. ૧૩૯૦, સન રિફાઈન્ડના રૂ. ૧૩૬૦, સિંગતેલના રૂ. ૧૫૬૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૮૦ અને સરસવના રૂ. ૧૪૧૦ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૪૩૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫૨૫માં થયા હતા.
વધુમાં આજે મધ્યપ્રદેશનાં મથકો પર સોયાસીડની અંદાજે ચાર લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૦૦થી ૪૫૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૪૦૦થી ૪૪૭૫માં થયાના અહેવાલ હતા.