ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો, ક્રૂડતેલના વાયદામાં ભાવવધારો અને સ્થાનિક સ્તરે ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ૮૩.૯૭ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, મધ્ય પૂર્વના દેશોમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ અને આજે તથા આવતીકાલે અમેરિકાના અનુક્રમે જાહેર થનારા પ્રોડ્યુસર પ્રાઈસ અને ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા પર ટ્રેડરોની નજર હોવાથી સાવચેતીના અભિગમને કારણે કામકાજો પાંખા રહેતાં રૂપિયામાં પણ સાંકડી વધઘટ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૭ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૯૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૯૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલની ૮૩.૯૭ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો.