ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૬.૬૦ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ૮૩ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. ડૉલર સામે રૂપિયો ગઈકાલની ૮૩ની ભાવ ટૂ ભાવ સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૨ અને ઉપરમાં ૮૨.૯૮ની સાધારણ અંતે ગઈકાલના જ ૮૩ના મથાળે બંધ રહ્યો હતો. ગત જાન્યુઆરી મહિનામાં ખાસ કરીને ફળો, શાકભાજી તથા અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ નીચા રહેતાં ફુગાવો ઘટીને ત્રણ મહિનાની નીચી ૫.૧ ટકાની સપાટીએ રહ્યો હોવાનાં અહેવાલને ધ્યાનમાં લેતાં રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે એશિયન બજારોમાં સુધારાની સાથે જો ઈક્વિટીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો આંતરપ્રવાહ જળવાયેલો રહેશે તો રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળી શકે છે. વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા વધીને ૧૦૪.૨૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮૫ ટકા વધીને બેરલદીઠ ૮૨.૭૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૮૨.૭૦ પૉઈન્ટનો અને ૧૨૭.૨૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.