ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
મુંબઈ: રિઝર્વ બૅન્કની ત્રણ દિવસીય મૉનૅટરી પૉલિસીની બેઠકનાં અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે ફુગાવા પર ચાંપતી નજર રાખવામાં આવશે, એમ જણાવ્યું હતું. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ૮૨.૯૬ની સપાટીએ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૯૬ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૨.૯૪ના મથાળે ખૂલ્યા બાદ નીચામાં ૮૩ અને ઉપરમાં ૮૨.૮૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલની જ ૮૨.૯૬ની સપાટીએ બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્કે આજે બેઠકના અંતે સતત છઠ્ઠી વખત રિપોરેટ ૬.૫ ટકાની સપાટીએ જાળવી રાખ્યા હતા. વર્તમાન નાણાકીય વર્ષના જીડીપીનો અંદાજ જે અગાઉ સાત ટકા મૂક્યો હતો તેની સામે વધારીને ૭.૩ ટકાનો અને આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫ના જીડીપીનો અંદાજ સાત ટકા મૂક્યો હતો. આ સિવાય આગામી નાણાકીય વર્ષ માટેનાં ફુગાવાનો અંદાજ બે ટકાની વધઘટ સાથે ૪.૫૦ ટકાનો મૂક્યો હોવા છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયામાં સત્ર દરમિયાન જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો. વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૩ ટકા વધીને ૧૦૪.૦૮ આસપાસ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૧૬ ટકા વધીને બેરલદીઠ ૭૯.૩૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.