પાંખા કામકાજે આયાતી તેલમાં નરમાઈનું વલણ
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૮ રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ તેમ જ શિકાગો ખાતે સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં ૪૦ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવા છતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આખર તારીખોને કારણે એકંદરે કામકાજો પાંખા રહ્યા હોવાથી આયાતી તેલમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હતું, જેમાં ૧૦ કિલોદીઠ સોયા ડિગમ, સન રિફાઈન્ડ અને સન ક્રૂડમાં રૂ. પાંચનો અને ક્રૂડ પામતેલમાં રૂ. બેનો ઘટાડો આવ્યો હતો, જ્યારે દેશી તેલમાં મથકો પાછળ ટકેલું વલણ રહ્યું હતું. દરમિયાન અનાજ મંત્રાલય અને નાણાં મંત્રાલય રાયડા અને સોયાબીનનાં વાયદા પરનો પ્રતિબંધ દૂર કરવા અંગે વિચારણા કરી રહ્યું છે અને આગામી ટૂંક સમયમાં તે અંગે જાહેરાત કરવામાં આવશે તેવી બજારમાં ચર્ચા થઈ રહી હતી.
આજે સ્થાનિકમાં સેલ રિસેલ ધોરણે અંદાજે આઠથી દસ ટ્રક આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૨થી ૯૦૪ આસપાસના મથાળે થયા હતા, જ્યારે ડાયરેક્ટ ડિલિવરી શરતે અલાનાના અંદાજે ૪૦૦થી ૫૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૦૦ના મથાળે થયા હતા. વધુમાં આજે સત્રના અંતે ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં એએનએના રૂ. ૯૦૫ અને ગોલ્ડન એગ્રીના જેએનપીટીથી ડિલિવરી શરતે રૂ. ૯૨૦, કંડલાથી ડિલિવરી શરતે રૂ. ૯૦૫ અને મેંગ્લોરથી ડિલિવરી શરતે રૂ. ૯૦૦ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૦૩થી ૯૦૫, ક્રૂડ પામતેલના રૂ. ૮૫૦, સોયા રિફાઈન્ડના રૂ. ૯૬૫, સોયા ડિગમના રૂ. ૯૧૦, સન રિફાઈન્ડના રૂ. ૯૬૫, સન ક્રૂડના રૂ. ૯૧૫, સિંગતેલના રૂ. ૧૫૪૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૯૭૦ અને સરસવના રૂ. ૧૧૭૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલ અને કપાસિયા રિફાઈન્ડના અનુક્રમે ૧૦ કિલોદીઠ ભાવ રૂ. ૧૫૦૦ અને રૂ. ૯૧૦થી ૯૧૫માં તથા તેલિયા ટીનના ૧૫ કિલોદીઠ રૂ. ૨૪૦૦ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર અંદાજે ૧.૨૫ લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૪૪૦૦થી ૪૬૦૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૦૦થી ૪૬૭૫માં થયા હતા, જ્યારે ઈન્દોર ખાતે હાજરમાં સોયા રિફાઈન્ડના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૯૫૦થી ૯૫૫માં થયાના અહેવાલ હતા. વધુમાં આજે રાજસ્થાનનાં મથકો પર અંદાજે ૨.૬ લાખ ગૂણી રાયડાની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૦૨૫થી ૬૦૫૦માં થયા હતા. આ સિવાય એક્સપેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૧૪૮માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૧૫૮માં અને સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૬૬૫થી ૨૬૭૦માં થયાના અહેવાલ હતા.