વેપાર

સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઉછાળો આવતા સ્થાનિકમાં કસ્ટમ ડ્યૂટીનો ઘટાડો આંશિક ધોવાયો

કોમોડિટી -રમેશ ગોહિલ

આંતરરાષ્ટ્રીય સ્તરે ગત સપ્તાહના આરંભે મુખ્યત્વે ઈઝરાયલે ઈરાનમાં કરેલા હુમલામાં હમાસનો નેતા ઈસ્માઈલ હનિયા માર્યો ગયો હોવાના અહેવાલ સાથે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવમાં ઉછાળો આવ્યો હતો. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવા સંકેતો આપ્યા હોવાથી તેમ જ અમેરિકાના જુલાઈનાં ઉત્પાદનના ડેટા નબળા આવતા અર્થતંત્ર પર માઠી અસર પડવાની ભીતિ વચ્ચે સોનામાં તેજીને વધુ ઈંધણ મળ્યું હતું. જોકે, સપ્તાહના અંતે અમેરિકાના રોજગારીના ડેટા પણ નબળા આવ્યા હોવા છતાં સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધ સામે સાધારણ ઔંસદીઠ ૧.૦૬ ડૉલર ઘટીને ૨૪૪૩.૨૯ ડૉલર આસપાસની સપાટીએ બંધ રહ્યા હતા.

આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ આગલા સપ્તાહે ડ્યૂટી કપાતના પગલે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૦૯નો ઘટાડો જોવા મળ્યા બાદ ગત સપ્તાહે ભાવમાં સાપ્તાહિક ધોરણે રૂ. ૨૨૬૧નો ઉછાળો આવ્યો હતો.

આમ ડ્યૂટી ઘટાડાના પગલે જોવા મળેલો ઘટાડો આંશિકપણે ધોવાઈ ગયો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૬મી જુલાઈનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૮,૧૩૧ના બંધ સામે રૂ. ૬૮,૭૯૪ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૮,૬૮૦ અને ઉપરમાં રૂ. ૭૦,૪૭૫ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૨૨૬૨ અથવા તો ૩.૩૧ ટકા વધીને રૂ. ૭૦,૩૯૨ના મથાળે બંધ રહ્યા હતા. એકંદરે સપ્તાહ દરમિયાન ઘટ્યા મથાળેથી રિટેલ સ્તરની તેમ જ રોકાણલક્ષી માગમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ જો વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહે તો સ્થાનિક માગ પર પુન: માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી હોવાનું સ્થાનિક જ્વેલરોનું મંતવ્ય છે.

ગત સપ્તાહના અંતે વિશ્ર્વ બજારમાં નફારૂપી વેચવાલીને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વૈશ્ર્વિક પરિબળો તો સોનામાં મંદી કરતાં તેજીતરફી વધુ હોવાનું એલિગન્સ ગોલ્ડનાં ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ એબકેરિયને જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં મધ્ય પૂર્વનાં દેશોમાં વધેલા તણાવને કારણે સોનામાં વધેલી સલામતી માટેની માગ અમેરિકાના ગત જુલાઈ મહિનાના ફેક્ટરી આઉટપૂટના ડેટા નબળા આવવાની સાથે સપ્તાહના અંતે બેરોજગારીનો દર વધીને ૪.૩ ટકાની સપાટીએ પહોંચતા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ પણ ઘટીને ગત ડિસેમ્બર પછીની નીચી સપાટીએ પહોંચતા સોનાની તેજીને ટેકો મળ્યો છે. વધુમાં ફેડરલ રિઝર્વે પણ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કપાતના આપેલા સંકેત સોનાની તેજીને ઈંઘણ પૂરું પાડશે. આમ એકંદરે સોનામાં મંદી કરતાં તેજીતરફી વલણ રહે તેવી શક્યતા વધુ પ્રબળ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તાજેતરનાં અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવી રહ્યા હોવાથી ફેડરલ રિઝર્વ તેની ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૭૦ ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હોવાનું કિટકો મેટલ્સનાં વિશ્ર્લેષક જિમ વાઈકોફે જણાવ્યું હતું. તે જ પ્રમાણે એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે ગત જુલાઈ મહિનામાં અમેરિકામાં ઉત્પાદનમાં ઘટાડો, ૨૦ વર્ષની ઊંચી સપાટીએ બેરોજગારી ઉપરાંત બેરોજગારી ભથ્થુ મેળવવા માટેના અરજદારોની સંખ્યા વધીને ૨,૪૯,૦૦૦ની સપાટીએ પહોંચી છે અને ફેડરલ રિઝર્વે ગત મહિનાના અંતની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર ૨૩ વર્ષની ઊંચી સપાટીએ જાળવી રાખ્યા હતા, પરંતુ સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાના સંકેતો
આપ્યા છે.

આ તમામ પરિબળો સોનામાં તેજીનું વલણ રહેવાના સંકેત આપી રહ્યા છે. તેમ જ વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલીનો અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સલામતી માટેની માગનો ટેકો પણ મળી રહ્યો છે. અમારા મતાનુસાર આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૮૦ ડૉલરથી ૨૬૦૦ ડૉલરની રેન્જમાં રહેશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૮,૫૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને રૂ. ૭૧,૮૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button